સુવિધા:જેતલસર ઢસા રેલવે લાઇન બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાનું કામ પૂર્ણ, ટ્રાયલ સફળ

જેતપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર વર્ષથી ચાલતું હતું કામ: 800 ​​​​​​​કરોડના ખર્ચે 104.4 કિમી અંતરનો ટ્રેક તૈયાર

જેતલસર - ઢસા રેલ્વે લાઈનને મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાનું કામ છેલ્લા ચાર વર્ષથી ચાલુ હતું તે હવે પૂર્ણ થતાં શુક્રવારે ધાર્મિક વિધિ દ્વારા આ રેલ્વે ટ્રેક પર એક એન્જીનથી ટ્રાયલ કરવામાં આવી હતી અને તે સફળ રહી હતી.

જેતલસર જંકશનથી ઢસા સુધીની મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં ફેરવવાનું કામ ચાર વર્ષ પૂર્વે શરૂ થયું હતું. 800 કરોડ રૂપિયા ખર્ચે 104.4 કિમીના અંતરના આ ટ્રેકનું કામ પૂર્ણ થતાં આ પ્રોજેકટના મેનેજર ભરતભાઇ ગીડાની હાજરીમાં એક એન્જિન અને ડબ્બાથી ધાર્મિક વિધિ દ્વારા આ ટ્રેકનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. મેનેજર ગીડાએ જણાવ્યું કે, આ 104.4 કિમીનું અંતર બે ફેઈઝમાં કરવામાં આવ્યું છે.

જેમાં જેતલસર જંકશનથી લુણીધાર અને લુણીધારથી ઢસા જેમાં આ ટ્રાયલ એન્જિન જેતલસર જંકશનથી લુણીધાર સુધી 50 કિમીની ઝડપે ચાલશે જ્યારે લુણીધારથી ઢસા સુધી પેલા જ ટ્રાયલ થઈ ગઈ હોવાથી ત્યાં 120 કિમીની ઝડપે ટ્રાયલ એન્જિનને દોડાવાશે.

બાદ આ ટ્રેક પર માલવાહક ટ્રેન દોડાવવામાં આવશે. જેમાં પ્રથમ પાંચ ડબ્બા અને ત્યારબાદ ડબ્બા વધુ જોડાતા જશે. અને તેવી જ રીતે પેસેન્જર ટ્રેનમાં પણ ક્રમશઃ ડબ્બા વધારવામાં આવશે. અને પેસેન્જર ટ્રેન એપ્રિલ મહિનાની પ્રારંભમાં શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું.

તમામ કોન્ટ્રાક્ટરને સાથે રાખી કરાય છે ટ્રાયલ
નવનિર્મિત રેલ્વે ટ્રેક પર ટ્રેન દોડે તે પહેલાં તે ટ્રેકની હંમેશા ટ્રાયલ કરાતી હોય છે. અને તેમાં જે તે પ્રોજેકટના મેનેજર દ્વારા સમગ્ર પ્રોજેકટના જેટલા કોન્ટ્રાકટર હોય તે તમામને ટ્રાયલ એન્જિનમાં સાથે લઈ જવામાં આવે છે. અને ટ્રેક પર ક્યાંય ખામી દેખાય તો ત્યાં જ એન્જિન ઉભું રાખીને તે કામના કોન્ટ્રાકટરને તે ક્ષતિ નિવારવાનો આદેશ આપવામાં આવતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...