જેતપુર તાલુકાના રેશમડી ગાલોળ ગ્રામ પંચાયતમાં ત્રણ વર્ષ પૂર્વે જેમનું મોત થયું છે તેવી વ્યક્તિના નામે કામનું બિલ ઉધાર્યું હોવાની અને બીલનું ચુકવણું ચેકથી કરાયું હોવાની સરપંચના પતિ સામે ગામના એક જાગૃત યુવાને તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી. બીજી તરફ ટીડીઓએ પણ આખી ઘટનાનો સ્વીકાર કર્યો હતો અને ડીડીઓને અહેવાલ મોકલી આપ્યાનું જણાવ્યું હતું.
રેશમડી ગાલોળ ગામે રહેતા ભરતભાઈ પાનસેરિયા નામના એક જાગૃત નાગરિકે ગામની પંચાયત પાસે માંગેલી માહિતીમાં આજથી ચાર વર્ષ પૂર્વે જેમનું મોત નીપજ્યું છે તેવા કેશાભાઈ માધાભાઈ વઘાસિયા નામના વ્યક્તિના નામે ૬૩૦૦ રૂપિયાનું પંચાયત દ્વારા બે મહિના પૂર્વે એક બિલ ઉધારી તે ચેક દ્વારા ચૂકવી દીધાનું બહાર આવ્યું છે. .
આ અંગે ભરતભાઇ નામના યુવાને જણાવ્યું હતું કે, પંચાયતનો તમામ વહીવટ સરપંચના પતિ ભરતભાઈ વાઘસિયા જ કરે છે અને પંચાયતમાં તેઓએ ભ્રષ્ટાચાર કરવામાં કઈ બાકી નથી રાખ્યું. સરપંચના પતિ પાસે રેતી ખનીજની કોઈ લિઝ ન હોવા છતાં તેઓએ પંચાયતને રેતી વેચી હોવાની પોતાના નામે બિલ ઉધારી પંચાયત એક્ટ ઓફિસ પ્રોફિટનો ભંગ કર્યો છે. અને આટલું ઓછું હોય તેમ ચાર વર્ષ પૂર્વે જેમનું મોત થયું છે તેવી વ્યક્તિએ ગામમાં એક ગટર રીપેરીંગના કોન્ટ્રાકટનું કામ કર્યું અને મહેનતાણાના વાઉચરમાં મૃતકના નામે સહી કરી ૬૩૦૦ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે અને આ અંગે તેઓએ ટીડીઓને લેખિત ફરીયાદ પણ કરી છે.
આ અંગે ટીડીઓ એન.ડી.કુંસગીયાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, ભરતભાઇની ફરિયાદ વિશે પોતે તપાસ કરતા તે સત્ય સાબિત થઈ છે. અને તેનો આખો અહેવાલ ડી.ડી.ઓને મોકલી આપવામાં આવ્યો છે. હવે સરપંચ વિરુદ્ધ જે કંઇ પગલાં ભરવામાં આવશે તે ડી.ડી.ઓના હુકમ બાદ ભરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.