આક્ષેપ:જેતપુરની SPG શાળામાં RTEના વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં ભેદભાવની ફરિયાદ ઊઠી

જેતપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરટીઇ હેઠળના તમામ ધોરણના વર્ગો અલગ જ રાખતા હોવાનો વાલીઓનો આક્ષેપ

જેતપુરના બોસમીયા કોલેજ સંકુલમાં આવેલ એસપીસીજી સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે અલગ વર્ગ રાખતા હોવાની વાલીઓએ સ્કૂલમાં ફરીયાદ કરી હતી. વાલીઓએ આક્ષેપ કર્યો કે સ્કૂલ મેનેજમેન્ટને આ અંગે ફરીયાદ કરી હતી ત્યારે મેનેજમેન્ટ દ્વારા વાલીઓને જણાવેલ કે, આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું બૌદ્ધિક સ્તર ફિ ભરનાર વિદ્યાર્થીઓ કરતા ઓછું હોય એટલે તેઓનો વર્ગ અલગ રાખીએ છીએ તેઓનું બૌદ્ધિક સ્તર અન્ય વિદ્યાર્થીઓ જેટલું થઈ જાય ત્યારે તે વિદ્યાર્થીઓને ફિ ભરેલ વિદ્યાર્થીઓના વર્ગમાં ભેળવી દેશું !.

મેનેજમેન્ટની આવી બાંહેધરીનો પણ વાલીઓએ સ્વીકાર કરી લીધો તેને ચાર વર્ષ થઈ ગયા એટલે કે પેલા ધોરણનો વિદ્યાર્થી અત્યારે ચોથા ધોરણમાં આવી ગયો છતાંય હજુ વર્ગ અલગ જ રાખવામાં આવે છે.

અને ચાલુ વર્ષથી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ દ્વારા શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ટેબ્લેટ પેટે વિદ્યાર્થીદીઠ ૧૧ હજાર ફિ રાખવામાં આવી છે. મેનેજમેન્ટના આ નિર્ણયને કારણે આરટીઇ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે આરટીઇના વિદ્યાર્થીઓને પુસ્તક દ્વારા અભ્યાસ કરાવવાને કારણે બંનેનું શિક્ષણ અલગ થઈ જાય છે.

આમ શાળામાં આરટીઇ હેઠળના તમામ ધોરણના વર્ગો અલગ જ રાખતા હોવાનો વાલીઓએ જણાવેલ હતું. અને મેનેજમેન્ટની ભેદભાવવાળી નીતિની સ્કૂલમાં ફરીયાદ કરવા પહોંચેલ વાલીઓને સંકુલના પ્રિન્સિપાલ આર.કે. ચોચાએ જણાવેલ કે, તેઓ આ અંગે સ્કૂલ મેનેજમેન્ટ સાથે વાત કરશે અને વિદ્યાર્થીઓને થતો અન્યાય દૂર કરવાનો પ્રયત્ન કરશે.

અન્ય સમાચારો પણ છે...