તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વજ્ઞાતીની સેવા:કેર સેન્ટર, કે જ્યાં સારવાર સાથે મળે છે પારિવારિક હમદર્દી

જેતપુર, ટંકારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1800ની વસતિ ધરાવતા પ્રેમગઢ ગામના લોકોને હવે શહેર સુધીના ધક્કા નહીં ખાવા પડે
  • મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભુમીની પ્રજાની મદદે સરકાર ન આવી, સેવાભાવીઓ દોડી આવ્યા

હાલના કોરોના મહામારીના સમયમાં મોટા શહેરોમાં પણ દર્દીઓને એક ખાટલો નસીબ થતો નથી તેવા સમયે અઢારસોની વસ્તી ધરાવતા જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામે પંચાયત દ્વારા ગામમાં એમડી ડોકટરની સારવાર સાથેનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.કોરોના મહામારીના વાયરસે એવી સુનામી સર્જી છે કે ગુજરાતની કોઈ પણ સરકારી કે ખાનગી હોસ્પીટલમાં દર્દીને ખાટલો પણ મળતો નથી. આવા સમયે કોઈ દર્દીને ઘર આંગણે સારવારની સુવિધા મળી જાય તો સત્કર્મ કર્યા હોય તેને આવું સૌભાગ્ય પ્રાપ્ત થાય તેવું કહી શકાય.

આવું જ સૌભાગ્ય જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામના લોકોને મળ્યું છે. માત્ર અઢારસોની વસ્તી ધરાવતા આ ગામના કેટલાક લોકો પોઝીટીવ આવ્યા બાદ તેઓને સારવાર માટે ખાટલા શોધવાની ભાગદોડમાં સારવાર તો મળી પણ મોડી મળતા પાંચેક લોકોને જીવ ખોવાનો વારો આવ્યો હતો. આથી ગામના યુવા સરપંચ રાજેશભાઇ વામજાને ગામમાં જ કોવિડ કેર સેન્ટર ખોલવાનો વિચાર આવ્યો. તેમને ગામલોકોનો સામાજિક અને આર્થિક સહયોગ મળી જતા સરકારી વિભાગના આરોગ્યના કર્મચારીઓ સાથે વિચાર વિમર્શ કરી ગામની વસુંધરા વિદ્યાલયમાં દસ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું.

આ કોવિડ કેર સેન્ટરમાં દસ પથારી વચ્ચે ઓક્સીજન ખૂટે નહિ તે માટે ચોવીસ મોટા સિલિન્ડર રાખવામાં આવ્યા છે. ગામમાં કોઈ પણ વ્યક્તિને કોવિડના સામાન્ય પણ લક્ષણ દેખાય એટલે તેણે ફરજિયાત અહીં જ સારવાર લેવાનો નિયમ રખાયો છે. અહીં દર્દીઓ માટે નાસ્તો, બે સમય જમવાનું ફ્રુટ, જ્યુસ અને દર્દીની યોગ્ય તપાસ થાય તે માટે બે ડોક્ટરોને રાખવામાં આવ્યા છે. જે સવાર સાંજ બે-બે કલાક પોતાની સેવા આપે છે. ગામના લોકો માટે જ નિઃશુલ્ક શરૂ કરવામાં આવેલા આ કોવિડ કેર સેન્ટર આશીર્વાદ સમાન સાબીત થયું છે.

અતિ કપરી કોરોના મહામારીમા સરકારે ટંકારા તાલુકો ગુજરાત રાજ્યમા ન હોય એમ કોરોના સારવારના નામે સાવ રઝળતો મુકી સ્થાનિક નેતાગીરી કેટલી નમાલી હશે એ સતત મોતના નગ્ન નાચે પ્રજાને અહેસાસ કરાવી દીધો છે. આવા મહામારીના કપરા સમયે સરકારથી તરછોડાયેલા તાલુકાના લોકોની યાતનાથી એક પછી એક સેવાભાવી સંસ્થાઓ, સેવકો સેવાભાવે મેદાને આવવા લાગ્યા છે. હાલ, ટંકારા હાઈવે પર આવેલા સરદાર લેઉઆ પાટીદાર સમાજ શૈક્ષણિક સંકુલ ખાતે સર્વ જ્ઞાતિ માટે કોવિડ કેર સેન્ટર સંસ્થા દ્વારા કાર્યરત કરાયુ છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારા તાલુકો રાજયના નકશામા ન હોય એમ સરકારે સાવ રસ્તે રઝળતો મુકી દેતા અા વિકટ પરિસ્થિતિમાં સેવાભાવી સંસ્થાઓ, સેવકો મદદે આવી રહ્યા છે. હાલ કોરોના પિડીત દર્દીઓની મદદે સેવાના ઉદેશથી ટંકારા હાઈવે પર આવેલા લેઉઆ પાટીદાર સમાજના શૈક્ષણિક સંકુલ ખાતે દાતાઓના સહયોગથી કોરોના કેર સેન્ટર આરોગ્ય ટીમ સાથે શરૂ કરવામા આવ્યું છે.

કોરોના કેન્દ્રમાં તમામ સમાજના દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવશે. અહીંયા બેેડ,ઓક્સિજન જમવા, ચા, નાસ્તો સુધીની તમામ સેવા નિ: શુલ્ક કરવામા આવી છે.સંસ્થાના પ્રમુખ અશોકભાઈ પટેલ ઉપપ્રમુખ બેચરભાઈ ઢેઢી ઉપરાંત હસમુખભાઈ દુબરીયા જીતુભાઈ ગોસરા જસમતભાઈ ઢેઢી, નિલેશભાઈ પટણી, અલ્પેશભાઈ મૂંજાત સહિતના સેવા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...