જેતપુર શહેરમાં છાપરવાડી નદીને પ્રદૂષિત કરતાં કેટલાક ધોલાઈ ઘાટ જીપીસીબીએ તોડી પાડ્યા બાદ આ વિસ્તારના કેટલાક ખેડૂતોએ કલેકટરને રૂબરૂ મળી પ્રદુષણ ફેલાવતાં મોટા ભાગના ધોલાઈ ઘાટ સામે જીપીસીબીએ આંખ આડા કાન કર્યાના આક્ષેપ કર્યા બાદ જીપીસીબીએ આજે બીજા પંદર જેટલા ધોલાઈ ઘાટ તોડી પાડ્યા હતાં.
છાપરવાડી નદી કાંઠા વિસ્તારના પ્રેમગઢ, મેવાસા, લુણાગરી તેમજ મેવાસા ગામના ખેડૂતોએ ગેરકાયદેસર ધોલાઈ ઘાટની જીપીસીબીને અનેક રજૂઆત બાદ પંદરેક દિવસ પૂર્વે એસડીએમની આગેવાનીમાં જીપીસીબીએ પાંચેક ધોલાઈ ઘાટ તોડી પાડ્યા હતાં. પરંતુ છાપરવાડી નદીમાં પ્રદુષણ ફેલાવતાં મોટા ભાગના ધોલાઈ ઘાટ સામે જીપીસીબીએ આંખ આડે કાન કર્યા હોવાની ખેડૂતોએ કલેકટરને અઠવાડિયા પૂર્વે રૂબરૂ રજુઆત કરતા પ્રદુષણ ફેલાવતાં તમામ ધોલાઈ ઘાટ તોડી પાડવાનો કલેકટરે જીપીસીબીને હુકમ કર્યો હતો.
આ હુકમને અનુસંધાને આજે ફરી જીપીસીબીએ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે મામલતદાર, તાલુકા પંચાયત કચેરી તેમજ પીજીવીસીએલના સ્ટાફને સાથે રાખી ઓપરેશન છાપરવાડી હાથ ધર્યું હતું. જેમાં છાપરવાડી નદી કાંઠાના 15 જેટલા ધોલાઈ ઘાટ તોડી પાડવામાં આવ્યા હતાં. આ અંગે જીપીસીબીના રીજનલ અધિકારી કે બી વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓની પાસે બે સોફરને સીલ મારવાનો પણ હુકમ છે
પરંતુ મહેસુલ વિભાગ તરફથી જરૂરી કાર્યવાહી થઈ ગયા બાદ આગામી બે દિવસ બાદ બંને ગેરકાયદેસર સોફરને પણ સીલિંગ કરવામાં આવશે. ઉપરાંત કોઈ પણ ખેડૂત કે સામાન્ય પ્રજાને પ્રદુષણ અંગેની કોઈ પણ ફરીયાદ હોય તો તેઓ પોતાને ગમે ત્યારે ફરીયાદ કરી શકે છે.પ્રદૂષણ માફિયાઓને જીપીસીબીનું આજે ચેકિંગ હોવાની અગાઉ જ જાણ થઈ ગઈ હોય તેમ રાવડી તેમજ માલિકીની જમીનો પર બનેલા ગેરકાયદેસર ધોલાઈઘાટો આજે સુમસામ હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.