ધરપકડ:જેતપુરમાં ભાણેજના હાથે માસીની હત્યા, રાજકોટ બસસ્ટેન્ડમાંથી આરોપીની ધરપકડ

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્ની સાથે સંબંધ રાખનારને સોંપવાની જીદમાં પતિનો હુમલો

જેતપુરના બળદેવધાર વિસ્તારમાં પત્ની સાથે માસીયાઇ ભાઈને પ્રેમ સંબંધ બંધાયો હોઇ, એ બાબતે સગા ભાણેજને વાંધો પડ્યો હતો અને છરીના ઘા ઝીંકીને માસીની હત્યા નિપજાવી હતી બાદમાં આરોપી ફરાર થઇ ગયો હતો, જો કે સ્થાનિક પોલીસે આરોપીના ફોટા વહેતા કરી દીધા હતા અને બાતમીના આધારે પોલીસે રાજકોટ બસ સ્ટેન્ડમાંથી આરોપીની ધરપકડ કરી હતી.

સાવરકુંડલા ગામે રહેતો મુનો પટોળીયાની પત્ની સાથે જેતપુરમાં રહેતા તેના માસીના દીકરા ભાઈ વિધાન ભરતભાઇ સોલંકીને એક વર્ષ પૂર્વે પ્રેમ સબંધ હતો. તત્કાલીન સમયે આ બાબતની જાણ મુનાને થયા બાદ વિધાન સાથે સમાધાન થઈ ગયું હતું અને માસી રેખાબેને ભાણેજ મુનાને સમાધાન પેટે એક લાખ રૂપિયા જેવી રકમ પણ આપી હતી. પરંતુ મુનાને હજુ વધુ એક લાખ રૂપિયા જોઇતા હોય તેમ ગતરાતે બળદેવધાર વિસ્તારમાં રહેતી માસી રેખાબેનના ઘરે આવ્યો હતો. અને માસી પાસે એક લાખ રૂપિયા આપો અથવા વિધાનને સોંપી દો તેને પૂરો કરી નાખવો છે તેવી માંગણી કરી હતી.

મુનાની આ માંગણી અન્વયે રેખાબેને તેને જણાવ્યું હતું કે જે તે સમયે સમાધાન થઈ ગયું અને સમાધાન પેટે પૈસા પણ આપી દીધા હતા અને હવે મારી પાસે પૈસા નથી. તેવું કહેતા મુનો ઉશ્કેરાઇ ગયો હતો અને વિધાનને સોંપી દો તેમ કહી પડખામાંથી છરી કાઢી અને વિધાનને મારવા માટે ઉગામતા માસી તેમજ અન્ય માસીયાઇ ભાઈ આડે પડતાં બે ત્રણ ઘા ચૂકી ગયા.

તેમ છતાં મુનો વિધાનને મારવા ગાંડો થયો હોય તેમ છરીના ઘા ઝીંક્યા કરતાં એક ઘા માસી રેખાબેનને પેટના ભાગે લાગી ગયો હતો અને તે સાથે જ લોહીના ફુવારા ઉડયા હતા. આ જોઇ મુનો છરી સાથે ત્યાંથી નાશી ગયો હતો અને બીજી બાજુ છરીનો ઘા લાગતા રેખાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું જેની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.

અને હત્યા કરી ફરાર થઇ ગયેલ મુનાની શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનામાં આરોપીના ફોટા પોલીસે વહેતા કરી દેતાં મોટાભાગના શહેરોની પોલીસ સાબદી બની ગઇ હતી અને મુનો રાજકોટના બસ સ્ટેન્ડમાં ઉભો હોવાની જાણ થતાં પોલીસે મોડી રાત્રીના બસ સ્ટેન્ડમાંથી મુનાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...