જેતપુરના પીઠડીયા પાસે આવેલા ટોલ પ્લાઝામાં લોકલ વાહનોના ફાસ્ટેગમાંથી દસને બદલે પિસ્તાલીસ રૂપિયા જેટલી રકમ કપાઈ જતા લોકલ વાહન ચાલકોમાં ઉહાપોહ મચી ગયો છે. વાહન ચાલકો આ બાબતની દલીલ કરવા જાય તો ટોલ પ્લાઝાના સંચાલકો દાદાગીરી કરતા હોવાના આક્ષેપો પણ થયા છે જેથી ટોલ પ્લાઝામાં લોકલ વાહન ચાલકો પાસેથી લોકલ ચાર્જ વસુલવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પીઠડીયા ગામ પાસે આવેલું ટોલ પ્લાઝા વર્ષ ૨૦૦૭-૦૮માં જ્યારે બનતું હતું ત્યારે જ જેતપુરના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ વિરોધ કર્યો હતો. જે વિરોધના પગલે તત્કાલીન સમયે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ તત્કાલીન ધારાસભ્ય જશુમતીબેન કોરાટ અને સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાએ ટોલ પ્લાઝા અધિકારીઓ સાથે વાટાઘાટો કરી જેતપુર તેમજ તાલુકાના વાહન ચાલકોને લોકલ ગણી તેઓ પાસેથી કાયમી પાંચ રૂપિયા લોકલ ચાર્જ વસુલવાનો નિર્ણય લેવાયો હતો.
ત્યાર બાદ ટોલ પ્લાઝા અમલમાં આવ્યું અને તેના સંચાલકો સમાધાનની ફોર્મ્યુલા પર અટલ ન રહ્યા અને પાંચ રૂપિયા લોકલ ચાર્જથી ધીમેધીમે ભાવ વધારો કરતા દસ રૂપિયા કરી નાખ્યો. તેમાં હવે થોડા મહિનાથી લોકલ વાહન ચાલકોના ફાસ્ટેગમાંથી પણ પિસ્તાલીસ રૂપિયા કપાવા લાગ્યાં છે.
ટોલબૂથના કર્મચારીઓના ઉડાઉ જવાબોથી પરેશાાની વધીટોલ પ્લાઝાના કર્મચારીઓ એવા જવાબો આપે છે કે હાલમાં મેનેજર ન હોવાથી ઓન કેમેરા જણાવી શકીશું નહિ, કોન્ટ્રાકટ બદલ્યો છે, જૂના કોન્ટ્રાકટમાં લોકલ વાહન ન હોય તે પણ લોકલનો ખોટો લાભ લેતા હતા જેથી હવે જે વાહનો લોકલ હોય તેઓ ફરીથી પોતાના વાહનની લોકલ સરનામું ધરાવતી આરસી બુક અને આધારકાર્ડ જમા કરાવી જાય એટલે તેના એકાઉન્ટમાંથી લોકલ વાહનનો ચાર્જ કપાતો થઈ જશે તેવા બહાના બતાવે છે. ત્યારે સવાલ એ થાય કે આમાં લોકલ વાહન ચાલકોનો શું વાંક અને ઘણા સમયથી 45 રૂપિયા જેવી રકમ કપાઇ રહી છેે તેના જવાબદાર કોણ ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.