જેતપુર જેતલસર જંક્શનમાં સાત વર્ષથી બે પરિવાર વચ્ચે ચાલી આવતી અદાવતમાં છોકરાઓ વચ્ચેની માથાકુટ વધી પડી હતી અને શનિવારે રાત્રે બંન્ને પરિવાર આમને સામને આવી જતા ધોકા, પાઈપ અને સોડા બોટલના છુટ્ટા ઘા કરાતા બંને જુથના ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી આ બનાવ અંગે પોલીસે બંને પરિવારની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે જે તે સમયે બાળકો વચ્ચે થયેલી માથાકૂટ આવનારા સમયમાં વધુ ઉગ્ર ન બને તે માટે વડીલોએ સમાધાનકારી ભુમિકા ભજવી હતી, પરંતુ તેનો કોઇ સફળ નિવેડો આવ્યો ન હતો અને અંતે લોહી રેડાયું હતું. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુર વેકરિયા નગરમાં રહેતા દૂધના ધંધાર્થી જયવીર ઉર્ફે માયકલ મનુભાઈ વાંક (ઉ.વ.31)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રશાંત વિનોદ મહેતા, ભાવિક વિનોદ મહેતા,યશ યોગેશ મહેતા, ઋત્વીક યોગેશ મહેતા, વિવેક દિલિપ મહેતાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને સાત વર્ષ પહેલા આરોપી યોગેશ મહેતા સાથે માથાકુટ થઈ હોય ત્યારથી બંને પરિવાર વચ્ચે અદાવત ચાલી આવતી હોય જેનો ખાર રાખીને આરોપીઓએ મંડળી રચી લાકડી, ધોકા, સાથે કારમાં ધસી આવી ફરિયાદીને આંતરી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામા પક્ષે જેતલસરમાં રહેતા અને સસ્તા અનાજની દુકાન ધરાવતા યોગેશ મુળશંકર મહેતા (ઉ.વ.50)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહાવીર મનુભાઈ વાંક અને ચાર અજાણ્યા શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી ફરિયાદીના ઘર પર હુમલો કરી સોડા બોટલના છુટ્ટા ઘા કરતા ફરિયાદી તેમજ જોશનાબેન અને વિવેકને ઈજા પહોંચી હતી. જેતપુર તાલુકાના પોલીસે બંને જૂથની ફરિયાદ પરથી સામસામા રાયોટિંગ અને હુમલાના ગુના નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.