જેતપુરના રામૈયા હનુમાન વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાના ઘરે બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતી હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડતા ૩ મહિલા સહિત ૧૩ જુગારીને ૧,૩૮,૭૫૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે જુગારનો અખાડો ચલાવનાર મહિલા મળી આવી ન હતી.
આથી પોલીસે જુગારધામ સંચાલિકાની શોધખોળ આરંભી છે અને ઝડપાયેલા લોકો સામે કાર્યવાહી આરંભી છે. સીટી પોલીસને બાતમી મળી હતી કે નવાગઢના રામૈયા વિસ્તારમાં રહેતી સોનલબેન લલીતભાઇ ચાવડા નામની મહિલા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી તેમની પાસેથી નાલ ઉઘરાવીને જૂગારના અખાડો ચલાવે છે.
પોલીસને મળેલી બાતમીને આધારે સોનલબેનના મકાનમાં જૂગારની રેડ કરતા હાજી ઇસ્માઇલભાઇ જુણેજા, લક્ષ્મણ કરમચંદ ભુવાણી, કાદીર ઉર્ફે સમીર વલીભાઇ ચૌહાણ, ગોપાલ નાનુભાઇ કોરાટ, હનીફ ઉર્ફે હનો ઇસાભાઇ મતવા, હુસેન ઉર્ફે અલીમ સોડાવાળો અને જીકરભાઇ તેરવાડીયા, રવિ મંગળુભાઇ શેખવા, હિતેષ રસીકભાઇ પરમાર, શબ્બીર યુનુસભાઇ સુથાર, જશુબેન ગીલાભાઇ ઝાપડા અને નઝમાબેન ફિરોઝભાઇ સમા, રમાબેન હાસમભાઇ મોરાણી તેમજ લલીત જેઠાભાઇ ચાવડા રને રોકડા રૂપિયા 92,750 તથા એક મોટર સાયકલ તેમજ મોબાઇલ નંગ 9 મળી કુલ 1,38,750 રૂપિયાના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે અખાડો ચલાવતી મહિલા સોનલબેન સ્થળ પર મળી આવી ન હતી, આથી તેને ઝડપી લેવા તજવીજ આરંભાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.