જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલા સાડીના બંધ કારખાનામાં સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની ભયાનકતા એટલી હતી કે કારખાનની છત અને દીવાલ ધડાકાભેર તૂટી ગયા હતા. આ વિકરાળ આગ પર કાબૂ મેળવવા માટે નગરપાલિકાના ત્રણ-ત્રણ ફાયર ફાઈટરો દોડી ગયા હોવા છતાં ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. જો કે આગ લાગવા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. આગમાં બધું બળીને રાખ થઇ ગયું હતું. આગમાં કારખાનું બળીને ભસ્મીભૂત થઇ ગયું હતું.
શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલી ગઢની રાંગ પાસે બંધ પડેલા એક સાડીના કારખાનામાં જૂના કપડા પડેલા હોય તેમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યાની જાણ થતા સ્થાનિકોએ તાત્કાલિક નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોવાથી આગના ધુમાડાના ગોટેગોટા આકાશમાં નજરે પડતા હતા. એક ફાયર ફાઈટરથી આગ કાબૂમાં ન આવતા એક પછી એક એમ ત્રણ ફાયર ફાઇટરઓએ પાણીનો મારો ચલાવ્યો હતો.
જો કે આટલેથી પણ કાબૂમાં ન આવતા કારખાનેદારે ખાનગી પાણીના ટેન્કરો બોલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા. અંતે ત્રણ ફાયર ફાઇટરના બબ્બે ફેરા બાદ પાણીમાં ફોમ ભેળવીને મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી. નવાગઢ મેઇન રોડની નજીક જ કારખાનામાં આગ લાગી હોવાથી રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને લોકોના ટોળેટોળા જોવા ઉમટી પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.