જેતપુરની બોસમીયા કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસરને શુક્રવારે કોલેજની લાયબ્રેરીમાં હાર્ટએટેક આવ્યો હતો અને સારવાર મળે તે પહેલાં તેનું કોલેજમાં જ મોત નીપજ્યું હતું. પ્રોફેસરના મોતની જાણ થતાં જ તેમના પત્ની અને પુત્ર પણ બેહોશ થઇને ઢળી પડ્યા હતા. અને તેઓ બન્નેને હોસ્પિટલમાં જ સારવાર આપવી પડી હતી.
જૂનાગઢ રોડ પર આવેલા જી.કે એન્ડ સી.કે બોસમીયા કોલેજમાં બીસીએના પ્રોફેસર પ્રકાશ ત્રિવેદી રાબેતા મુજબ સવારે કોલેજે આવ્યા હતાં. અને લાયબ્રેરીમાં જતાં હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો ઉપડયો હતો. જેથી બીજા પ્રોફેસરોએ તેમને લાયબ્રેરીમાંમાં જ સુવડાવી ગ્લુકોઝનું પાણી પીવડાવ્યું. પરંતુ તેઓ બેહોશ થઈ જતાં સારવાર માટે સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા.
જ્યાં ફરજ પરના ડોકટરે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતાં. પ્રોફેસરના પત્નીને જાણ કરાતા તેમની પત્ની હોસ્પિટલ પહોંચી ત્યારે પતિનો મૃતદેહ જોતાં જ બેહોશ થઈ જતાં તેમને પણ એ જ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને તેમના ધો. 10માં અભ્યાસ કરતા પુત્રને હોસ્પિટલે બોલાવ્યો તો તે પણ પિતાના મૃતદેહને જોઇ બેહોશ થઇ ગયો હતો અને તેને પણ માતાની સાથે જ હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી. પ્રોફેસર પ્રકાશ ત્રિવેદી મૂળ મોડાસાના વતની છે અને પંદર વર્ષથી બોસમીયા કોલેજમાં બીબીએના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા હતા.
જીવનશૈલી બદલવા તબીબોનું સૂચન : ગોંડલના યુવાનને હૃદયરોગનો તીવ્ર હુમલો આવતાં મોત
ગોંડલ | હાલમાં દર બીજા-ત્રીજા દિવસે હાર્ટ એટેકની ઘટનાઓ બની રહી છે , તે માત્ર ચિંતાજનક જ નથી, પરંતુ સરકાર અને આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા અભ્યાસની જરૂરિયાતને પણ રેખાંકિત કરે છે. તાજેતરમાં જ ભોજરાજપરાના યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને હોસ્પિટલે રાજકોટ પહોંચે તે પહેલાં જ તેનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
ગોંડલનાં ભોજરાજપરામાં રહેતા અને નાગરિક બેંકમાં નોકરી કરતા મિલન ચુનીભાઇ સાટોડિયા (ઉ.વ.34) ને બે દિવસ પહેલાં પરોઢિયે છાતીમાં દુખાવો ઉપડતા તેમને હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.