રાજકોટ જિલ્લાના જસદણમાં રાજકોટ-અમદાવાદ હાઈ-વે ને જોડતો બાયપાસ રોડ અકસ્માત ઝોન બની ગયો છે. છેલ્લા દોઢેક મહિનામાં આ સર્કલના લીધે અંદાજે 14 લોકો અકસ્માતના લીધે ઈજાગ્રસ્ત બન્યા છે અને એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે. સામાન્ય રીતે સર્કલની જે પહોળાઈ હોવી જોઈએ તેના કરતા આ સર્કલની પહોળાઈ ખુબ જ મોટી છે. જેને કારણે અકસ્માતોના બનાવો બની રહ્યા છે.
જાગૃત લોકો દ્વારા સમસ્યાને લઈને અવારનવાર તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. આથી આ સર્કલના લીધે કોઈ ગોઝારો અકસ્માત સર્જાય તે પૂર્વે સર્કલની ડિઝાઈનમાં ફેરફાર કરી નાનું કરવામાં આવે અથવા આ સર્કલને હટાવવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
2 મહિના પહેલા 2 છોકરી 10 ફૂટ દૂર ઉછળી હતી
આ સર્કલને પ્લાન મુજબ નાનું કરવામાં આવે જેથી અહી અકસ્માતમાં ઘટાડો થાય. અહિયાં અંદાજે બે મહિના પહેલાં જ અહીં બે છોકરી10 ફૂટ દુર સુધી ઉછળી હતી. આથી આ સર્કલને હટાવવામાં આવે અથવા સાવ કાઢી નાખવામાં આવે તો જ અકસ્માતોના બનાવો અટકી શકે તેમ છે. આ સર્કલે કોઈ પોલીસ જવાનો પણ હોતા નથી. - મિતુલભાઈ પરસાણા, જાગૃત નાગરિક, જસદણ
અમને અહીંથી પસાર થવામાં સતત બીક રહે છે
અમે અવારનવાર આ સર્કલ પાસેથી પસાર થઈએ છીએ અને અમને જીવનું જોખમ રહે છે. અમારી માંગણી છે કે જવાબદાર તંત્ર દ્વારા આ સર્કલને નાનું કરવામાં આવે અથવા આ સર્કલને જ હટાવી દે. આ સર્કલના લીધે 15 દિવસમાં 8થી9 જેટલા નાના-મોટા અકસ્માતોના બનાવો બને જ છે. - રણછોડભાઈ-વાહનચાલક, નવાગામ
પાલિકાને સર્કલ નાનું કરવા માટે જાણ કરી છે
હાલ જે સર્કલ છે તે બાબતે અમે જસદણ નગરપાલિકાને સર્કલ નાનું કરવા માટે લેખિત જાણ કરી છે. હાલ આ રોડ છે તે બાબરાથી ચોટીલા સુધી જે સર્કલવાળો ભાગ આવે છે તે નેશનલ હાઈ-વે આર.એન.બી. ને સોંપાયેલ છે. જેથી હવે જે કઈ નિર્ણય આવે તે નેશનલ હાઈ-વે અને પાલિકાને કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવશે. - ડી. ડી. ભારાઇ, ડેપ્યુટી ઇજનેર, માર્ગ મકાન વિભાગ, ગોંડલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.