જસદણ તાલુકાના ભાડલા ગામે બે મૃતક વ્યક્તિને જીવતા બતાવી વૃધ્ધાની સંયુક્ત માલિકીની ખેતીની જમીન પચાવી પાડવા જેઠના ત્રણ પુત્રો સહિત 6 શખ્સએ કારસો રચતા 6 શખ્સ સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે જસદણ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી અન્ય ચાર શખ્સને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ભાડલા ગામે રહેતા પ્રભાબેન જીણાભાઈ કાકડીયા(ઉ.વ.67) એ તેમના જેઠના ત્રણ દિકરા ભરત કાનજી કાકડીયા, દિલીપ કાનજી કાકડીયા, દલસુખ કાનજી કાકડીયા, તેજા લવા મેટાળીયા, ભીખા પ્રેમજીભાઈના બોગસ આધાર કાર્ડમાં ફોટાવાળી અજાણી વ્યકિત તેમજ બોગસ આધાર કાર્ડ બનાવનાર શખ્સ સામે જસદણ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યું હતું કે તેમની ભાડલાની સર્વે નં.291 તથા સર્વે નંબર 274 ની જમીન મળી કુલ સાડા 19 વિઘા જમીન આવેલી છે અને તે પડાવી લેવા મોટા સસરા ભીખાભાઈ તથા પોપટભાઈ મરણ ગયેલા હોવા છતા તેઓને જીવતા બતાવી ઉપરોક્ત શખ્સોએ બોગસ આધારકાર્ડ બનાવી, બાદમાં નોટરી સમક્ષ ખેતીની જમીનમાં સ્વેચ્છાએ બીનઅવેજી હક્ક જતો કરવાનું રૂ.300 નું સ્ટેમ્પ પેપર ઉપર ખોટુ સોગંદનામું બનાવી અને આ હક્ક કમીનું સોગંદનામુ મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્ર ખાતે રજૂ કરી નોંધ દાખલ કરવા અરજી કરી જમીન હડપ કરવા પ્રયાસ કર્યો છે.
આ હક્ક કમીની અરજી ફરિયાદીના મોટા સસરા પોપટભાઈ મૃત્યુ પામેલ હોવા છતા તેઓને આરોપી ભરત તથા તેઓના ભાઈઓએ ઓળખી બતાવ્યા છે. આરોપી તેજા ફરીયાદીના પતિના મિત્ર છે. જેથી આ ફરિયાદના આધારે જસદણ પોલીસે ઉકત તમામ આરોપીઓ સામે આઈપીસી 465, 467, 468, 471, 120(બી) મુજબ ગુનો દાખલ કર્યો હતો. જે બનાવમાં જસદણ પોલીસે ફરિયાદીના જેઠના દિકરા ભરત કાનજી કાકડીયા અને તેજા લવા મેટાળીયા નામના બન્ને શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ બનાવમાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડી પાડવા જસદણ પોલીસ મથકના પીઆઈ ટી.બી.જાનીએ ચક્રોગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.