દુર્ઘટના:જસદણના ભડલી ગામ પાસે ટ્રિપલ અકસ્માત, પ્રૌઢનું ઘટનાસ્થળે જ મોત

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોંગસાઇડમાં પૂરઝડપે ધસી આવેલા કારચાલકે ફંગોળ્યા

જસદણના ભડલી ગામ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે આવતા કારનો ચાલક રોંગ સાઈડમાંથી આવતા બાઈક સાથે ધડાકાભેર અથડાયો હતો. જેમાં બોટાદના સમઢીયાળા ગામે રહેતા પ્રૌઢને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક ચાલકને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની તજવીજ હાથ ધરી હતી.

મૃતક બાઈક લઈને જસદણના આંબરડી લગ્ન પ્રસંગે આવવા નીકળ્યા હતા
બોટાદના સમઢીયાળા ગામે રહેતા અને પશુપાલનનું કામ કરતા ગોરાભાઈ રામાભાઈ ગમારા(ઉ.વ.50) ગતરોજ સાંજના બાઈક લઈને જસદણના આંબરડી ગામે લગ્ન પ્રસંગે આવવા નીકળ્યા હતા. ત્યારે ભડલી અને ગઢડા વચ્ચે પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવતી કાર નં.GJ-33F-6106 ના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું. બાઈક રોંગ સાઈડમાં સામેથી આવતા બાઈક સાથે અથડાયું હતું અને બન્ને બાઈકચાલક રોડ પર પટકાયા હતા. જેમાં ગોરાભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

જ્યારે અન્ય બાઈક ચાલક ભીખાભાઈ તેમજ તેની સાથેના ભાનુભાઈને ઈજા પહોંચતા સારવારમાં હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈને થતા પરિવારજનો તાત્કાલિક જસદણ હોસ્પિટલે દોડી ગયા હતા અને આક્રંદ મચાવ્યો હતો.

આ બનાવની જાણ થતા જસદણ પોલીસનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતકના નાનાભાઈ સુખાભાઈની ફરિયાદ પરથી પીએસઆઈ એસ.એમ.રાદડીયાએ અકસ્માત સર્જનાર અજાણ્યાં કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં વધુમાં જાણવા મળ્યું હતું કે, મૃતક પ્રૌઢને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. આ બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...