રેઢાં રાજ:જસદણ પાલિકાના ગોડાઉનમાંથી પાણીની 3 ઈલેક્ટ્રિક મોટરની ચોરી

જસદણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1998ના વખતથી બંધ પડેલી મોટરનો કોઇ રખેવાળ ન હોઇ, તસ્કરોની નજર ઠરી
  • રિપેરિંગ કરવા માટેનો ખર્ચ નગરપાલિકાને ન પરવડ્યો, હવે મોટર શોધવા તંત્ર ઘાંઘુ થશે

જસદણના સાણથલી ગામે હજી બે દિવસ પહેલા અજાણ્યા તસ્કરોએ એક દુકાન અને બે હીરાના કારખાનાને નિશાન બનાવી અંદાજે રૂ.6 લાખના મુદ્દામાલની ચોરી કરી હોવાની ઘટના હજી લોકો ભૂલ્યા નથી. ત્યાં જસદણ નગરપાલિકાના ગોડાઉનમાં રહેલી પાણીની ત્રણ ઈલેક્ટ્રીક મોટરની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી જતા નગરપાલિકા તંત્રની બેદરકારી સામે પ્રજાજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ નગરપાલિકાના ગોડાઉનમાં 1998 વખતની ત્રણ મસમોટી પાણીની ઈલેક્ટ્રિક મોટર રીપેરીંગના અભાવે રાખી મૂકી હતી. પરંતુ તે ત્રણેય પાણીની મોટર કોઈ ચોરી કરી નાસી જતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

કરોડોની કિંમતી મશીનરી છતાં ચોકીદાર નહીં
જસદણ નગરપાલિકાના ગોડાઉનમાં લાખો-કરોડોનાની મશીનરી સહિતનો મુદ્દામાલ પડ્યો છે. પરંતુ તે ગોડાઉનની રખેવાળી કરવા માટે એકપણ ચોકીદાર રાખવામાં આવતો ન હોવાથી હાલ પાલિકાના ગોડાઉનમાં રેઢા રાજ જોવા મળી રહ્યા છે. ત્યારે ગોડાઉનની રખેવાળી માટે ચોકીદારને કાયમી મુકાઇ તેવી જસદણની પ્રજામાં માંગ ઉઠી છે.

મોટરના રજિસ્ટ્રેશન નંબર મેળવી ફરિયાદ કરાશે
પાલિકાના મ્યુનીસીપલ ઈજનેર એમ.એન.ડાંગરે જણાવ્યું હતું કે, અમને ગત ગુરૂવારે પાલિકાના ગોડાઉનમાંથી પાણીની ત્રણ ઈલેક્ટ્રીક મોટર ગુમ થયાની જાણ થઈ છે. તે ગોડાઉનમાં કોઈ ચોકીદાર નથી. જેની અમે જસદણ પોલીસને પણ જાણ કરી છે. પરંતુ આ મોટર વર્ષ 1998ની હોવાથી તેના રજીસ્ટ્રેશન નંબર મેળવી ફરિયાદ દાખલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...