ભાસ્કર ઇમ્પેક્ટ:જસદણના વાજસુરપરા વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા પાણીના સમ્પની આખરે 10 વર્ષ બાદ સફાઇ કરાઇ

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમ્પમાં પાલિકાએ લખેલા ‘નગરજનો નમસ્તે કચરો ન ફેંકો રસ્તે’ ના લખાણ પાસે જ સમ્પનો કચરો ઠલવાયો !
  • સમ્પને સાફ કરવાના બદલે માત્ર દરવાજા પાસે જેમતેમ સફાઇ કામ કરાયું, પાણીમાં બે-બે ફૂટના દળ જામી ગયા છે તેને તંત્ર ક્યારે સાફ કરશે

જસદણના વોર્ડ નં.2માં આવેલ વાજસુરપરા વિસ્તારમાં અંદાજે 3500 લોકો વસવાટ કરી રહ્યા છે, પરંતુ વિસ્તારમાં વસતા રહીશો માથે પાણીજન્ય રોગચાળો દસ્તક દઈને બેઠો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં વાજસુરપરા વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા ટાઉનહોલ પાસેના સંપમાં છેલ્લા ઘણા સમયથી પક્ષીઓના મૃતદેહ લટકી રહ્યા હતા. છતાં જવાબદાર નગરપાલિકા તંત્ર દ્વારા સંપની સફાઈ કામગીરી કરાતી ન હોવાથી વિસ્તારના હજારો લોકોના આરોગ્ય જોખમમાં મુકાયા હતા.

જેથી જસદણ નગરપાલિકાના જવાબદારો દ્વારા વાજસુરપરામાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પૂર્વે સંપની સફાઈ કામગીરી કરવામાં આવે તેવી વિસ્તારવાસીઓની માંગ ઉઠવા પામી હતી. અહેવાલ તા. 7ના દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાતાની સાથે જ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને સંપની સફાઈ કામગીરી હાથ ધરી હતી, પરંતુ જેતે સફાઈ કામદારોએ સંપને સાફ કરવાના બદલે માત્ર સંપના દરવાજા પાસે જ સફાઈ કામગીરી કરી હાશકારો અનુભવી લેતા લોકોમાં મોઢા તેટલી વાતો થવા લાગી હતી.

અધૂરામાં પૂરું સંપમાંથી નીકળેલા કચરાનો પણ યોગ્ય નિકાલ કરવાના બદલે સફાઈ કામદારો દ્વારા સંપના દરવાજા પાસે જ તેના ઢગલા કરી દેવામાં આવ્યા હોવાથી સંપમાં પાલિકાએ જ લખેલા “નગરજનો નમસ્તે કચરો ન ફેંકો રસ્તે” ના સુત્રના ધજાગરા ઉડ્યા હતા. નગરપાલિકા તંત્રના જવાબદારો દ્વારા આખા સંપની નિયમાનુસાર સાફ-સફાઈ કામગીરી કરવામાં આવે તેવું વિસ્તારવાસીઓ ઈચ્છી રહ્યા છે.

સમ્પમાં બે-બે ફૂટના દળ જામી ગયા છે તે તંત્ર ક્યારે સાફ કરશે !
જસદણના વાજસુરપરાને પીવાનું પાણી પૂરું પાડતા સંપની નગરપાલિકા દ્વારા 10 વર્ષ બાદ સાફ-સફાઈ કામગીરી કરાઇ હતી, પરંતુ કામદારોએ આખા સંપને સાફ કરવાના બદલે દરવાજા પાસે જ સફાઈ કામ કરી હાશકારો અનુભવી લેતા લોકોમાં મોઢા તેટલી વાતો થવા લાગી છે.

આખો પાણીનો ટાંકો ખાલી કરીને સાફ કરાશે
આજે સફાઈ કામદારોને સંપની સફાઈ માટે મોકલ્યા છે. જો એ લોકોએ ત્યાં કચરાના ઢગલા કર્યા હશે તો તેને ત્યાંથી કચરો ઉપાડી લેવાનું કહી દઉં છું, સંપને આખો ખાલી કરીને સાફ કરી નાખવાની સૂચના અપાઇ છે. - અશ્વિન વ્યાસ, ઇન્ચાર્જ ચીફ ઓફિસર, જસદણ

અન્ય સમાચારો પણ છે...