જસદણમાં જાણે કે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેવા ઘાટ જોવા મળી રહ્યા છે. જૂના બસસ્ટેન્ડમાં આવેલી પોલીસ ચોકી નજીક વાહનચાલકો પોતાના વાહનો મનફાવે ત્યાં પાર્કિંગ કરી જતા રહેતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકોમાં સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે નારાજગી ઉઠવા પામી છે.
જસદણ પોલીસ દ્વારા જૂના બસસ્ટેન્ડમાં આવેલ પોલીસ ચોકી ખાતે ટ્રાફિક વોર્ડન પણ મુકાતા હોય છે, પરંતુ તે માત્ર ટાઈમ પાસ કરી તમાશો ચુપચાપ જોતા રહેતા હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેથી જો સ્થાનિક પોલીસ તંત્રને જરાપણ ટ્રાફિક પ્રશ્ને શરમ લાગતી હોય તો નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો અને ફરજ પર બેદરકારી દાખવનારા ટ્રાફિક વોર્ડન સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવું જસદણના જાગૃત લોકો ઈચ્છી રહ્યા છે.
વન-વેના નિયમનું થાય છે છડેચોક ઉલ્લંઘન
જસદણ શહેરમાં પૂરતા પ્રમાણમાં ટ્રાફિક વોર્ડન મુકવામાં આવ્યા છે. છતાં વન-વેના નિયમનું વાહનચાલકો છડેચોક ઉલ્લંઘન કરતા હોવાથી પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જસદણમાં પોલીસ જાણે કે જોતી નથી, સાંભળતી નથી અને બોલતી પણ નથી તેવી હાલત જોવા મળી રહી છે. સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા જસદણમાં મુકેલા ટ્રાફિક વોર્ડનને જાણે કે માત્ર ટ્રાફિકનો નજારો જોવા માટે જ રાખવામાં આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.
લોક દરબારના નામે કાયમ ડીંડક?!
જસદણ પોલીસ મથકમાં જયારે પણ પોલીસનો લોકદરબાર યોજવામાં આવે છે, ત્યારે જાગૃત નાગરીકો દ્વારા આ સમસ્યા નિવારવા ે રજૂઆતો કરવામાં આવે છે. ત્યારે કહેવાતા લોકોના રક્ષક માત્ર આશ્વાસનો આપી હાશકારો અનુભવે છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા જેમની તેમ જ રહે છે. હવે લોકો પણ મૂંગા બેસવાનું વધારે પસંદ કરે છે. જેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવું લોકો ઇચ્છે છે.
અવારનવાર સર્જાતી સમસ્યાનો તંત્ર પાસે કોઇ ઉકેલ નથી ?!
શહેરમાં વર્ષોથી ટ્રાફિક સમસ્યા ફાટીને ધૂમાડે ગઈ છે. છતાં જસદણ પોલીસની અણઆવડતના કારણે શહેરના જૂના બસસ્ટેન્ડમાં આવેલી પોલીસ ચોકી નજીક અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. સ્થાનિક પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વાહનચાલકો પાસે અને ફરજ પર હાજર રહેતા ટ્રાફિક વોર્ડન પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વોર્ડનને હટાવી, નવી ભરતી કરાશે
આ બાબત અમારા ધ્યાનમાં છે જ. જૂના બસસ્ટેન્ડ પાસે કામ ચાલતું હોઇ, લારી ગલ્લાવાળાઓ આ તરફ આવ્યા છે. બીજી તરફ ત્યાંના ટ્રાફિક વોર્ડનની નિષ્ક્રિયતા અમારા ધ્યાને આવી જ છે. અને તેના પર એક્શન લેવાશે જ. હું આજે જ રીપોર્ટ કરું છું અને નવી ભરતી કરી લેવાશે પછી આ તકલીફ નહીં રહે. > કે. જે. રાણા, પી.આઇ., જસદણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.