તસ્કરી:વીંછિયાનો પરિવાર સીમંત વિધિમાં જમવા ગયો અને પાછળથી તસ્કરો મકાનમાં કળા કરી ગયા

જસદણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડા કલાક જ બંધ રહેલા વેપારીના ઘરમાંથી 7.50 લાખની મતાની ચોરી

વીંછિયામાં દિવસના ભાગે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવવાની હિંમત કરી હતી અને રોકડ રકમ અને દાગીના સહીત રૂ.7.50 લાખની મત્તાની ચોરી કરી નાસી જતા ચકચાર મચી ગઈ હતી. વીંછિયામાં આવડી મસમોટી ચોરીનો બનાવ બનતા વીંછિયાના પીએસઆઈ આર.કે.ચાવડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

બાદમાં અજાણ્યા તસ્કરોને પકડી પાડવા ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટના નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવી હતી અને રૂરલ ક્રાઈમ બ્રાંચનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ વીંછિયા પોલીસે વેપારી ભરતભાઈ રાજપરાની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ચોરીના બનાવની વધુ તપાસ વીંછિયા પોલીસ મથકના પીએસઆઈ આર. કે. ચાવડા ચલાવી રહ્યા છે.

માત્ર બે જ કલાક ઘર બંધ રહ્યું હતું
વીંછિયામાં સમઢીયાળા રોડ ઉપર વાડીના મકાનમાં રહેતા વેપારી ભરતભાઈ મેરામભાઈ રાજપરાના બંધ મકાનને દિવસે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી મકાનનું તાળુ તોડી તિજોરી અને કોઠારમાંથી સોનાના દાગીના 6 તોલા, ચાંદીના દાગીના કિ.રૂ.30,000 તેમજ રોકડા રૂ.4,70,000 મળી કુલ રૂ.7,50,000 ની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. આ ચોરીના બનાવમાં ફરિયાદી ભરતભાઈ રાજપરા સવારે વેપાર માટે પોતાની દુકાને ગયા હતા. ત્યારબાદ ફરીયાદીનો દિકરો ધવલ અને ફરિયાદીના પત્ની નિમુબેન વીંછિયા ખાતે સીમંત વિધિમાં જમવા માટે ગયા હતા. એ દરમિયાન બપોરના 11-30 થી 1-30 વાગ્યાના અરસામાં અજાણ્યા તસ્કરો બંધ મકાનના તાળા તોડી ઘર સાફ કરી ગયા હતા. બાદમાં પરિવારજનો સીમંત વિધિમાંથી પરત આવ્યા બાદ ઘરના તાળા તૂટેલા જોતા તાત્કાલિક વીંછિયાપોલીસને જાણ કરતા વીંછિયાના પીએસઆઈ આર.કે.ચાવડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અજાણ્યા તસ્કરોને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...