પ્રેક્ટિકલ​​​​​​​ જ્ઞાન:જસદણની વડોદ પ્રાથમિક શાળાના આચાર્યે સ્વખર્ચે વિજ્ઞાન સંબંધી વિવિધ મોડલ્સ બનાવી શાળામાં મૂક્યા

જસદણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને વધુ સારી રીતે સમજ આપી શકાય અને વિજ્ઞાનના પ્રયોગો શીખવી શકાય તે હેતુ સાર્થક કર્યો

જસદણ તાલુકાની વડોદ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ગીરીશભાઈ બાવળીયા દ્વારા વિજ્ઞાનને લગતા અવનવા મોડલ બનાવવામાં આવ્યા છે. જેમાં મિસાઈલ મોડલ, સૂર્યમંડળ, તોપ, ફાઈટર એરોપ્લેન મોડલ, સેટેલાઈટ મોડલ અને રોબોટ મોડલ વગેરે જેવા અનેક વિવિધ મોડલ બનાવવામાં આવ્યા છે.

આ શાળાના આચાર્ય દ્વારા બનાવવામાં આવેલ મોડલ્સ શાળાના બાળકોને અભ્યાસમાં આવતા વિજ્ઞાનના પ્રયોગો શીખવવામાં મદદરૂપ થાય છે. આ મોડલ્સથી વિદ્યાર્થીઓ જાણી શકે છે કે ખરેખર આ બધી વસ્તુઓનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે.

શિક્ષક માને છે કે વિજ્ઞાન એવો વિષય છે કે જે પ્રયોગો અને પ્રેક્ટિકલથી વધુ સમજી શકાય છે અને શીખી શકાય છે, તેની માહિતી માત્ર આપી દેવાથી બાળકો ગુંચવાઇ જાય પરંતુ જો એ જ વિષયની સમજ પ્રત્યક્ષ મોડેલ થકી આપવામાં આવે તો બાળકોને સારી રીતે યાદ રહી જાય છે.

આ તમામ મોડલ્સનો ખર્ચ શાળાના આચાર્ય ગીરીશભાઈ બાવળિયા પોતે જ ચૂકવે છે અને બને એટલા ઓછા ખર્ચે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી આ બધા મોડલ્સ તૈયાર કર્યા છે. વડોદ પ્રાથમિક શાળામાં આ પ્રકારની કામગીરીથી આસપાસના ગ્રામ્યજનો પણ આ મોડેલ જોઈ વિજ્ઞાન પ્રત્યેની જીજ્ઞાષા સંતોષવા દોડી આવે છે, અને તેમને પણ આચાર્ય પોતાના ફાજલ સમય મુજબ સમજાવે છે.

અન્ય સમાચારો પણ છે...