તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુ શિક્ષા પરમ બ્રહ્મા:જસદણ તાલુકાના વડોદની સરકારી શાળાના આચાર્ય દરરોજ એક કલાક વહેલા આવી જાતે જ શૈક્ષણિક સંકુલની કરે છે સાફ સફાઇ

જસદણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
જાત મહેનતથી આચાર્યએ શાળાને આપ્યા નવા ક્લેવર. - Divya Bhaskar
જાત મહેનતથી આચાર્યએ શાળાને આપ્યા નવા ક્લેવર.
  • કોઈ કામ નાનું નથી જીવનનો આ મહત્ત્વનો પાઠ વિદ્યાર્થીઓ વાતોથી નહીં પણ વર્તનથી જ શીખી શકે તેવો તેમનો મંત્ર

જેને ભૂલો કાઢવી છે એ ભૂલો કાઢે છે, જેને બહાના કાઢવા છે એ બહાના કાઢે છે, જેને ફરિયાદો કરવી છે એ ફરિયાદો કરે છે અને જેને કામ કરવું છે એ કામ કરે છે. તેવી જ રીતે સાબુના પાણીથી ફરસ સાફ કરતા ભાઈ કોઈ સફાઈ કામદાર નથી. પરંતુ જસદણ તાલુકાની વડોદ તાલુકા શાળાના આચાર્ય ગીરીશભાઈ બાવળીયા છે અને પોતાની જ શાળાની ફરસને ઘસી-ઘસીને ચમકાવી રહ્યા છે.

ગીરીશભાઈ બાવળીયા 13 વર્ષ શિક્ષક તરીકે નોકરી કર્યા બાદ HTAT ની પરીક્ષા પાસ કરીને પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સેવામાં જોડાયા હતા. તેઓએ જસદણ તાલુકાના વડોદ ગામની એની સરકારી શાળાની મુલાકાત લો તો ખબર પડે કે હજારો રૂપિયાની ફી લેતી ખાનગી શાળાને પણ ટક્કર મારે એવી સરકારી શાળા બનાવી છે. ગીરીશભાઈ રોજ શાળાના સમયથી એક કલાક વહેલા જ શાળાએ આવી જાય છે.

જેની દેખરેખ હેઠળ બીજી 8-10 શાળાઓ આવતી હોય એવી તાલુકા શાળાના આચાર્ય હોવા છતાં પોતાના હોદ્દાને એકબાજુએ રાખીને હાથમાં સાવરણો લઈને શાળાની સફાઈ કરે છે અને જરૂર પડે ત્યારે કચરા-પોતા પણ કરે છે. શૌચાલય સાફ કરવા માટે જો સફાઈ કામદાર ન આવ્યા હોય તો તે દિવસે શૌચાલય પણ જાતે જ સાફ કરી નાખે છે.

આચાર્યએ અન્ય શિક્ષક સાથે મળી શાળાની દિવાલોને નવા ક્લેવર આપ્યા છે.
આચાર્યએ અન્ય શિક્ષક સાથે મળી શાળાની દિવાલોને નવા ક્લેવર આપ્યા છે.

ગ્રાન્ટમાંથી શાળામાં અન્ય સુવિધા ઊભી કરી દે
ગીરીશભાઈ પોતાના આચરણ દ્વારા કશું જ બોલ્યા વગર એની શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઘણો મહત્વનો સંદેશો આપે છે. શાળાને જિલ્લા પંચાયત તરફથી અને હવે તો સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જુદીજુદી ગ્રાન્ટ મળતી હોય છે. જેમાંથી સફાઈ કામગીરી પણ થઈ શકે. પરંતુ ગીરીશભાઈ જાતે કામ કરીને જે બચત થાય એ બચતમાંથી શાળામાં બીજી સુવિધા ઉભી કરે છે. આ જ શાળામાં શિક્ષક તરીકે કામ કરતા તેમના મિત્ર જીગ્નેશભાઈ ધોળકિયા ખૂબ સારા પેઈન્ટર છે. જેથી જીગ્નેશભાઈ એમના આચાર્યની સાથે આખું વેકેશન શાળાએ ગયા હતા અને શાળાની તમામ દીવાલોને બાળકોને ગમે એવા પેઈન્ટિંગથી જીવંત કરી દીધી છે.

શાળા સંકુલને સ્વચ્છ રાખવી મારી ફરજ છે
વડોદ પ્રાથમિક શાળાના આચાર્ય ગીરીશભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શાળાએ આવતા મારા દીકરા-દિકરીઓને શિક્ષણની સાથે શાળાનું આંગણું, વર્ગખંડો અને શૌચાલય પણ સ્વચ્છ મળવા જોઈએ એ આચાર્ય તરીકેની મારી ફરજ છે. ગામડાના વિદ્યાર્થીઓને સ્વચ્છતાના પાઠ ભણાવવાના ન હોય પણ પ્રેક્ટિકલ કરીને સમજાવવાના હોય. કોઈ કામ નાનું નથી જીવનનો આ મહત્વનો પાઠ વિદ્યાર્થીઓ વાતોથી નહીં પણ વર્તનથી જ શીખી શકે. મેં જ્યારથી ફરજ સંભાળી ત્યારથી રવિવારની પણ રજા રાખી નથી.

અન્ય સમાચારો પણ છે...