ખૂંટિયાનો ત્રાસ:જસદણમાં વારંવાર આખલાયુદ્ધથી પ્રજા ત્રસ્ત, ખૂંટિયાનો ત્રાસ દૂર કરવા પ્રજાજનોની માગણી

જસદણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગઢડિયા રોડ પરના ગાંડીવાડી પાસે બપોરે બે ખૂંટિયા જંગે ચડ્યા

જસદણ નગરપાલિકાએ ભૂતકાળમાં લાખો રૂપિયા ખર્ચી ખુંટીયાઓને ગામવટો આપ્યો હતો. પરંતુ હાલમાં શહેરનો એકપણ એવો વિસ્તાર નથી કે જ્યાં ખૂંટીયાઓ ન હોય અને એકપણ દિવસ એવો નહી હોય કે ખુંટીયાઓ વચ્ચે આખલાયુદ્ધ સર્જાયા નહી હોય. જેનો ભોગ જસદણના નિર્દોષ નાગરીકો બની રહ્યા છે. આજદિન સુધીમાં જસદણમાં રસ્તેથી પસાર થનારા અનેક વ્યકિતઓને ખુંટીયાઓ હડફેટે લઈ ચુક્યા છે. ત્યારે જસદણ શહેરના ગઢડીયા રોડ પર આવેલ ગાંડીવાડી પાસે ભર બપોરે બે ખુટીયાઓ જંગે ચડતા આ તમાશો જોવા લોકો એકત્ર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, જસદણ નગરપાલિકાએ ભૂતકાળમાં લાખો રૂપિયાના ખર્ચે ખુંટીયાઓને ગામવટો આપ્યો હતો. ત્યારે આ ખૂંટીયા ફરી કેમ પાછા આવ્યા તે એક સવાલ બની જાય છે.

જેથી આ યુદ્ધે ચડતા ખુંટીયા પર જસદણ નગરપાલિકા તંત્ર ફરી એકશન લેશે કે પછી પરિસ્થિત રાબેતા મુજબ જ રહેશે એતો આવનારો સમય જ બતાવશે. જોકે દરરોજની આખલાયુદ્ધની સમસ્યાથી કંટાળી ગયેલા નગરજનોની પ્રબળ માંગણી ઉઠવા પામી છે કે શહેરમાંથી ખુંટીયાઓને ગામવટો આપવામાં આવે.

આ બધા વિસ્તારોમાં દરરોજ આખલાયુદ્ધ જોવા મળે છે
હાલ જસદણની મેઈનબજાર, વિંછીયારોડ, ચોટીલારોડ, ટાવરચોક, મોતીચોક, નવા બસસ્ટેન્ડ, આટકોટરોડ, ચિતલીયા કુવા રોડ, જુના બસસ્ટેન્ડ, ગઢડીયા રોડ, આદમજીરોડ સહિતના વિસ્તારોમાં રઝળતા ઢોર સતત અડીંગો જમાવી બેસતા હોવાથી અવાર-નવાર જાહેરમાં આખલાયુદ્ધના દ્રશ્યો સર્જાય છે. છતાં આજદિન સુધીમાં કોઈ જ પગલા નગરપાલિકા તંત્ર દ્વારા ભરવામાં આવ્યા ન હોવાથી હવે તો વેપારીઓ પણ ભયના ઓથાર તળે પોતાનો વેપાર-ધંધો કરી રહ્યા છે. જસદણ નગરપાલિકાના જવાબદારો જાણે કે આ સમસ્યા અંગે કોઈ જ પગલા ભરવા તૈયાર ન હોય તેવી રીતે અરજદારોની રજુઆતોની ફાઈલો પણ અભેરાઈએ મૂકી દેતા હોવાથી નગરજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જેથી જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા તાકીદે રસ્તે રઝળતા ઢોરને ડબ્બે પુરવાની કામગીરી તત્કાલ હાથ ધરવામાં આવે તેવી જસદણના જાગૃત નગરજનોની માંગ ઉઠવા પામી છે.

શહેરીજનો આખલાયુદ્ધ જોઈને કંટાળી ગયા છે, છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે
જસદણ નગરપાલિકાના જવાબદારો આખલાયુદ્ધનો માત્ર ચૂપચાપ તમાશો જોયા કરતા હોવાથી શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. જેથી આખલાયુદ્ધમાં કોઈનાં ઘરનો મોભી કે લાડકવાયો છીનવાય તે પૂર્વે સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા શહેરભરમાં રઝળતાં આખલાઓની સમસ્યા હલ કરવામાં આવે તેવી જસદણની જાગૃત જનતાની પ્રબળ માંગણીઓ ઉઠવા પામી છે. વર્ષોથી ચાલી આવતી આ સમસ્યા તંત્રની નીંભરતાને કારણે ફાટીને ધુમાડે ચોક્કસ ગઈ છે. જોકે વર્ષોથી નગરપાલિકામાં શાસન ભલે ભાજપનું હોય કે પછી કોંગ્રેસનું. પરંતુ આવા રખડતા ઢોરનો ઈલાજ એકપણ પક્ષ આજદિન સુધી હલ કરી શક્યો નથી.