નરી વાસ્તવિકતા:સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનેશનની ગતિ ધીમી, અમુક ગામમાં તો લોકોને રસી લેવા સમજાવવામાં અધિકારી, આરોગ્યકર્મીને પરસેવો વળી જાય છે

જસદણ, જેતપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટ જિલ્લાના જસદણ, જેતપુર, ધોરાજી અને ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં રસીકરણ માટે લોકોનો ઉત્સાહ ઓછો
  • રસીના પૂરતા જથ્થાના અભાવે અમુક ગામડામાં તો આરોગ્ય તંત્રએ ડોર ટુ ડોર વેક્સિનેશન બંધ કરવું પડ્યું\
  • ગોંડલ તાલુકાના વોરાકોટડા, ત્રાકુડા, કોલીથડ, ડૈયા ગામોમાં રસીકરણ માટે અધિકારીઓની સમજાવટ

સરકારે લોકોને કોરોનાથી મુક્ત રાખવા અને સુરક્ષિત રાખવા માટે લગાવેલી દોડમાં વયસ્કો અને બાદમાં યુવાનોને પૂર્વ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ નિશુલ્ક રસીકરણની વ્યવસ્થા ગોઠવી આપી છે પરંતુ આ અંગે દિવ્ય ભાસ્કરે વાસ્તવમાં થતી કામગીરીના અહેવાલ મેળવ્યા ત્યારે જાણવા મળ્યું કે જસદણ, જેતપુર, ધોરાજી, ઉપલેટાના ગ્રામ્ય પંથકમા હજુ પણ લોકો, ખાસ કરીને વડિલો રસી લેવાથી દુર ભાગે છે. બીજી તરફ યુવાનો ઉત્સાહથી નોંધણી કરાવીને રસી લઇ રહ્યા છે.

વડીલોને સમજાવવા અને કેન્દ્ર સુધી લાવવા આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ ગામડે ગામડે જઇ સમજાવટનો માર્ગ અખત્યાર કરી રહ્યા છે તેમ છતાં કોઇને કોઇ કારણે લોકોના મનમાં રહેલો ડર, અંધશ્રધ્ધા, માન્યતા અને અફવાને લીધે તંત્ર પોતાનો ટાર્ગેટ સર કરી શકતું નથી. અમુક ગામમાં વૃધ્ધો અને વડિલોને કેન્દ્ર સુધી આવવું ન પડે તે માટે ડોર ટુ ડોર વેક્સિનેશન શરૂ કરાયું તો ત્યાં પણ આ જ બાધા નડી અને અંતે કામચલાઉ તેને બંધ કરવું પડ્યું.

જસદણ પંથકમાં બહાનાબાજીનું જોર જોવા મળ્યું
જસદણ પંથકમાં 45 ટકાથી વધુ લોકો કોરોનાની રસી લઈ ચૂક્યા છે. પરંતુ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં રસી ન લેવા માટે લોકો દ્વારા આરોગ્ય કર્મીઓ સમક્ષ અનેક બહાનાઓ આગળ ધરવામાં આવી રહ્યા છે. જેમાં અમુક લોકો કહે છે કે અમારે માતાજીની આડી છે, અમારા ભુવા ના પડે છે એટલે એ લે તો અમે લઈએ, અમારા ગામમાં કોરોના હતો જ નહીં એટલે અમે રસી ન લઈએ, સરકાર બધાને મારી નાખવા માંગે છે, 3 વર્ષમાં બધા રસી લેવા વાળા મરી જવાના છે, રસી લીધા પછી 3 દિવસ સુધી પથારીમાં રહેવું પડે છે, અમે વાડીયુંમાં કામ કરવા વાળા અમને કોઈ દિવસ કાઈ થયું જ નથી તો રસી શું લેવી? અમે કોઈ દિવસ ઈન્જેકશન નથી લીધું એટલે અમે આ રસી નહી લઈએ. જેવા અનેક જવાબો લોકો દ્વારા આરોગ્ય અધિકારીઓને આપવામાં આવી રહ્યા છે.

​​​​​​​ધોરાજી પંથકમાં વેક્સિનનો સ્ટોક અોછો આવતાં કેન્દ્ર પર જ અપાઇ રહી છે રસી
ધોરાજીમાં યુવાનો માટે રસીકરણ કામગીરી શરૂ કર્યા બાદ થોડો સમય ડોર ટુ ડોર વેક્સિનેશન શરૂ કર્યું હતું પરંતુ રસીનો સ્ટોક ઓછો આવવાના બહાને આ કામગીરી બંધ કરી દેવાઇ છે. જો કે બ્લોક હેલ્થ ઓફિસરે કબુલ્યું હતું કે ગ્રામ્ય પંથકમાં હજુ પણ લોકો કોઇને કોઇ માન્યતા અને ડરના શિકાર છે. રસી ન લેવાના અનેક બહાના કરીને લોકો ટાળી જ રહ્યા છે અને એટલે સમજાવટનો માર્ગ અપનાવાયો છે. જેમાં પણ ધાર્યું પરિણામ મળતું નથી. આથી કેન્દ્ર પર આવતા લોકોને પાછું ન જવું પડે અને રસીનો સ્ટોક ઓછો ન પડે તે માટે ડોર ટુ ડોર વેક્સિનેશન હાલ પુરતું બંધ રખાયું છે.

ઉપલેટાના અમુક ગામમાં તો સરપંચ જ ગામમાં આવવાની, વેક્સિન લેવાની ના પાડી દે છે
એવું પણ જાણવા મળ્યું હતું કે પંથકના અમુક ગામમાં કોરોના સંક્રમણ બાદ મોત થતાં લોકો એટલા બધાં ડરી ગયા છે કે રસી લેવાની પણ ના પાડી દે છે અને ગામના સરપંચ જ આરોગ્ય કર્મચારીને કહી દે છે કે અહીં ધક્કો ખાવાની જરૂર નથી. અમારા ગામમાં કોઇને રસી લેવાની નથી.

જેતપુરમાં હેલ્થકર્મી સાથે ગેરવર્તન
જેતપુર પંથકમાં ઘરે ઘરે વેક્સિન આપવા જતા હેલ્થ કર્મચારીઓને ખૂબ જ કડવા અનુભવ થાય છે તો ક્યાંક અપમાનિત થવું પડે છે અને કેટલાક કિસ્સામાં શારીરિક હુમલો થયાના કિસ્સાઓ પણ સાંભળવા મળ્યા છે. જેમાં કર્મચારીઓ જીવ બચાવીને ભાગવું પડ્યાના દાખલા મળ્યા છે. જે લોકોમાં અક્ષરજ્ઞાન નથી તેને સમજાવવા મુશ્કેલ જ નહી પણ જાણે કે લોઢાના ચણા ચાવવાથી પણ કઠીન કામ બની ગયું છે. લોકો નીતનવા બહાના કરીને રસી લેવાનું ટાળી રહ્યા છે. લોકો સુધી સરકાર અને તંત્ર વેક્સિન પહોંચાડી શક્યા પણ તેના માટે ની જાગૃતિ ન હોવાના લીધે તંત્રના હાથ હેઠાં પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...