સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલની લોકોના માનસમાં એવી છાપ હોય કે અહીં ભલે નિશુલ્ક સારવાર મળતી હોય, પરંતુ અહીં વ્યવસ્થા સારી નહીં હોય, દર્દીઓ સાથે સારું વર્તન નહીં કરાતું હોય અથવા તો મોંઘા ઓપરેશન હાથ નહીં ધરાતા હોય.
જસદણની સિવિલ હોસ્પિટલે લોકોના માનસમાં સામાન્ય રીતે રહેલી આ વ્યાખ્યા આંશિક ખોટી ઠેરવી છે અને એક ગાયનેક તબીબે સિવિલમાં મહિલાઓના અંડાશય, ગર્ભાશયમાં ગાંઠ સહિતના અઘરા કહી શકાય તેવા ઓપરેશન નિશુલ્ક કરી આપી મહિલાઓને દર્દમાંથી મુક્તિ અપાવી હતી અને તેમને વધારાના ખર્ચાના ખાડામાં ઉતરવાથી બચાવ્યા હતા.
જસદણની સિવિલ હોસ્પિટલમાં આશરે ચાર મહિનાથી સેવાસેતુ અંતર્ગત સેવાકાર્ય કરતા ડો.વિશાલ શર્માએ જસદણ સિવિલના અધિક્ષક ડો.રાકેશ મૈત્રીના સહયોગથી ગર્ભાશયની ગાંઠ, છાતીની ગાંઠ અને અંડાશયની ગાંઠ જેવા પાંચ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી તમામ દર્દીઓને વિવિધ પીડાઓમાંથી છૂટકારો અપાવી મહિલા દર્દીઓને નવજીવન આપવાનું સેવાકાર્ય કરતા દર્દીઓમાં રાહત થઇ છે. આ તકે ડો.વિશાલ શર્માને સિવિલના અધિક્ષક ડો.મૈત્રી સહિતનાએ અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.