પાણી ચોરીનું કારસ્તાન:જસદણના મદાવા ગામના હિસોળા ડેમમાં પશુ માટે અનામત રાખેલા પાણીની ચોરી કરી વનવિભાગ વૃક્ષો ઉછેરતું હતું

જસદણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
રેઢા પડ સમજી વન વિભાગે લોકોના પિવાના પાણીનો જથ્થો વૃક્ષોના ઉછેર માટે વાપર્યો. - Divya Bhaskar
રેઢા પડ સમજી વન વિભાગે લોકોના પિવાના પાણીનો જથ્થો વૃક્ષોના ઉછેર માટે વાપર્યો.
  • સિંચાઈ વિભાગ અને ગ્રામપંચાયતની મંજૂરી લીધા વગર વનવિભાગના કર્મચારીઓ કરતા હતા પાણી ચોરી
  • આવનારો ઉનાળો પશુપાલકો માટે કપરો સાબિત થશે
  • વન વિભાગ 3000 ફૂટ પાઈપલાઈન લંબાવી આચરતું હતું પાણી ચોરીનું કૌભાંડ

જસદણ તાલુકાના મદાવા ગામે આવેલ હિસોળા ડેમમાંથી વન વિભાગના કર્મચારીઓ દ્વારા સિંચાઈ વિભાગ કે મદાવા ગ્રામ પંચાયતની મંજુરી લીધા વગર ગેરકાયદેસર 3000 ફૂટ જેટલી મસમોટી પાઈપલાઈન લંબાવી ફોરેસ્ટની જગ્યામાં વાવેલા વૃક્ષોનો ઉછેર કરવા માટે બેફામ પાણી ચોરી કરાતી હોવાનું મદાવા ગામના સરપંચ જયેશભાઈ જતાપરાને સાથે રાખી દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા રીયાલીટી ચેક કરવામાં આવતા પાણી ચોરીનું કારસ્તાન ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ હતી.

પાણીની મોટર મૂકી પાણીની ચોરી
જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા સ્થળ પર રીયાલીટી ચેક કરવામાં આવ્યું ત્યારે વન રક્ષક ગાર્ડ અશોક સોલંકી અને ફોરેસ્ટર પ્રોટેક્શનના યુa.બી.રાઠવા પણ હાજર હતા. જેની નજર સામે ડેમમાં ગેરકાયદેસર પાણીની મોટર મૂકી પાઈપલાઈન લંબાવી બેફામ પાણીની ચોરી કરાતી હતી. જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે તુરંત જ વન રક્ષક ગાર્ડ અશોક સોલંકીએ ચાલતી પકડતા અનેક સવાલો ઉઠ્યા હતા. આ ડેમ મદાવા અને ધારેઈ એમ બે ગામો માટે જીવાદોરી સમાન છે. ત્યારે મદાવા ગામના પશુઓ માટે ડેમમાં રખાયેલ પાણીનો જથ્થો પણ વન વિભાગના કર્મચારીઓ દ્વારા ખાલી કરી દેવામાં આવતા પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જેના પગલે મદાવા ગામના પશુપાલકો માટે આવતો ઉનાળો કપરો સાબિત થશે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.

ગેરકાયદે વીજજોડાણ સામે આવ્યું
વધુમાં જે ડેમમાંથી પાણીની ચોરી કરાતી હતી તેની બાજુના વાડી માલિક સાથે વન વિભાગના કર્મચારીઓએ દાદાગીરી કરી ગેરકાયદેસર વીજ વાયરો લંબાવી પાવર ચોરી કરી રહ્યા હોવાનું સામે આવતા જસદણ પીજીવીસીએલ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉદભવ્યા હતા. વધુમાં મદાવાના હિસોળા ડેમમાંથી ચોરી કરાયેલ પાણી કડુકા ગામની ફોરેસ્ટની હદ સુધી પહોંચાડવામાં આવતું હતું. છતાં જે વૃક્ષોનો ઉછેર કરવા માટે વન વિભાગના કર્મચારીઓ પાણી ચોરી કરતા હતા તે વૃક્ષોનું પણ બાળમરણ થઈ ગયાનું સામે આવ્યું હતું.

ત્યારે સવાલ એ થાય છે કે, જસદણ વન વિભાગને વૃક્ષોનો ઉછેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મસમોટી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. છતાં વન વિભાગના અધિકારીઓ સરકારી ગ્રાન્ટનો નિયમ મુજબ ઉપયોગ કરવાના બદલે પોતાના ગજવા ગરમ કરતા હોવાની લોકોમાં બુમરાણ ઉઠતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની કામગીરી સામે પણ લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. ત્યારે સવાલ એ ઉઠે છે કે, જસદણ વન વિભાગના કર્મચારીઓ દ્વારા સિંચાઈ વિભાગ કે મદાવા ગ્રામ પંચાયતની મંજુરી લીધા વગર બારોબાર પાણી ચોરી કરી વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો હતો તો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ ગઈ ક્યાં? તે તપાસનો વિષય બની ગયો છે. પાણી ચોરી કરાયા બાદ આખો ડેમ ખાલી થઈ ગયો તોય જસદણ સિંચાઈ વિભાગના અધિકારીઓ શું આજદિન સુધી ઊંઘતા હતા કે પછી સિંચાઈ વિભાગના અધિકારીઓની જ મીઠી નજર હેઠળ આ પાણી ચોરીનું કારસ્તાન ચાલી રહ્યું હતું તે તપાસનો વિષય બની જાય છે.

લોકોએ તપાસની માગ કરી
​​​​​​​
વધુમાં છેલ્લા ઘણા સમયથી વન વિભાગના જવાબદારો દ્વારા ખુલ્લેઆમ ગેરકાયદેસર પાવર ચોરી કરવામાં આવતી હતી તોય પીજીવીસીએલ તંત્ર કેમ ન જાગ્યું? તે એક સવાલ બની ગયો છે.જેથી આ પાણી ચોરીના કારસ્તાનને અંજામ આપનારા વન વિભાગના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી મદાવા ગામના લોકોની માંગ ઉઠવા પામી છે.

એ લોકોને પાણી લેવા માટેની કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી
આ બાબતે ફોરેસ્ટના પ્રોટેક્શનના મેડમ જોડે વાત થઈ હતી. એમણે મને કીધું હતું કે એક-બે દિવસમાં હું તમારી ઓફિસે આવું છું અને જે કાઈ પણ વસુલાત ભરવાની થાય એ હું આવીને ભરી જઈશ તેવું કીધેલું. એ લોકોને પાણી લેવા માટેની કોઈ મંજુરી આપી નથી. એ લોકોએ કોની મંજુરીથી આ પાણી લીધું છે તેનો મને કોઈ ખ્યાલ નથી. એ લોકો કેટલા સમયથી પાણી લેતા હતા તેનો મને કોઈ ખ્યાલ નથી. હવે તેમની પાસેથી નિયમ મુજબ જે કોઈ વસુલાત કરવાની થતી હશે તે કરીશું. અમે એ લોકોએ અગાઉ જેટલું પાણી ઉપાડ્યું તેની વસુલાત કરીશું અને હવે તેમને જેટલા પાણીની જરૂરીયાત હશે તેટલું પાણી ઉપાડવા માટે નવી મંજુરી આપી વસુલાત કરીશું. હાલ એ લોકો પાસેથી ગત ચોમાસા બાદની વસુલાત લઈશું અને ત્યારબાદ નવી મંજુરી આપીશું. - પ્રિયાંક ભોયા, સિંચાઈ અધિકારી,જસદણ

RTI અંતગર્ત માહિતી માંગીશું કે ફોરેસ્ટ વિભાગને પાણી માટે કેટલી ગ્રાન્ટ અપાઈ છે
મદાવા ગામના હિસોળા ડેમમાંથી ફોરેસ્ટવાળા ગેરકાયદેસર રીતે કોઈની મંજુરી લીધા વગર કડુકા ગામની ફોરેસ્ટની જગ્યામાં પાણી લઈ જઈ રહ્યા છે. એકબાજુ અમારા ગામમાં પાણીની તંગી ચાલી રહી છે. છતાં ફોરેસ્ટના અધિકારીઓ અમારી સાથે દાદાગીરી કરી પાણી ચોરી કરી રહ્યા છે. ફોરેસ્ટવાળા ડેમમાં મોટર મૂકી લાઈટ વાપરી પાણી ચોરી કરી રહ્યા છે. આ લોકો ખોટી રીતે પાણી બગાડી રહ્યા છે. સરકાર પાણી માટે ગ્રાન્ટ આપે છે છતાં ગ્રાન્ટ વાપરવાના બદલે અહીંથી પાણી લઈ જાય છે. એ લોકોએ 3000 ફૂટ લાઈન લંબાવી છે. હાલ અમારો ડેમ ખાલી કરી રહ્યા છે. અમે એની પાસે મંજુરીના કાગળો માંગ્યા તો ઉડાઉ જવાબો આપ્યા હતા. હવે આર.ટી.આઈ. અંતગર્ત આની માહિતી માંગીશું કે ફોરેસ્ટવાળાને પાણી માટે કેટલી ગ્રાન્ટ અપાઈ છે અને કેટલી ગ્રાન્ટ આજદિન સુધીમાં વાપરી છે તેમજ તેનો ક્યાં ઉપયોગ કર્યો છે.ૃ- જયેશભાઈ જતાપરા, સરપંચ, મદાવા ગામ

અમે ગ્રામપંચાયત કે સિંચાઈ વિભાગની કોઇ મંજૂરી લીધી નથી, હવે મેળવી લઇશું
ગામ લોકોનું એવું કહેવું છે કે તમે આ ડેમમાંથી પાણી ન લઈ શકો. પણ ડેમની અમુક હદ અમારામાં પણ આવે છે. અમે સિંચાઈ વિભાગને ફોનથી વાત કરી છે અને લેખિતમાં કામ ચાલુ છે. અમે લેખિત મંજુરી વગર પાણી લઈ ન શકીએ પણ ફોનમાં વાત કરી હતી એટલે અમે પાણી વાપરતા હતા. અમે આ પાણી કડુકા ગામની હદમાં લઈ જઈએ છીએ. અમે રોપાને બચાવવા માટે પાણી લઈ જીઈએ છીએ બીજા કોઈ કામ માટે નથી લઈ જતા. રોપા બળે છે તેને બચાવવા માટે આ ડેમમાંથી પાણી લઈએ છીએ. અમારે જે વિસ્તારમાં પાણીની વ્યવસ્થા ન હોય ત્યાં પાણીના ટાંકાની વ્યવસ્થા કરતા હોઈએ છીએ. પણ અહી નજીક ડેમ હોવાથી તેમાંથી અમે પાણી લઈએ છીએ. અમે ગ્રામપંચાયતની મંજુરી લીધી નથી તે વાત સાચી છે પણ ઈરીગેશન વાળાને ફોનથી વાત કરી છે. અમે હવે ગ્રામપંચાયત અને ઈરીગેશનની મંજુરી લઈ રોપા બચાવવા માટે પાણી ચાલુ કરીશું. - યુ.બી.રાઠવા, ફોરેસ્ટર પ્રોટેક્શન કર્મચારી

અન્ય સમાચારો પણ છે...