વીંછિયાના કંધેવાળીયા ગામના નીલેશ વાલજીભાઈ જાંબુકીયા નામના યુવાનને મોટા હડમતીયા ગામના બે વ્યાજખોર હરસુર કેશા બેરાણી અને દિનેશ રોજાસરાએ રૂ.50 હજારના 2 લાખ વસુલી પણ લીધા હતા. તેમ છતાં વ્યાજખોરે વધુ રૂ.6.50 લાખની ઉઘરાણી કરતા યુવાનને નાછૂટકે અગાઉ ગામ છોડવાનો વારો આવ્યો હતો. આ અંગે તેના પરિવારજનોએ વ્યાજખોરો સામે વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખો પરિવાર ગામ છોડીને ચાલ્યા જવા સુધી મજબુર બની ગયો છે. સાથોસાથ એવો પણ આક્રોશ વ્યક્ત કર્યો છે કે હજુ કોઇ કાર્યવાહી ન થાય તો આત્મવિલોપન કરવંું પડશે.
હવે અમારે જીવ ગુમાવવાનો વારો આવશે
મેં હરસુર કેશા બેરાણી પાસેથી દોઢેક વર્ષ પહેલા રૂ.50 હજાર વ્યાજે લીધા હતા. જે પેટે મે રૂ.2 લાખ બેંકની લોન લઈને ચૂકવી પણ આપ્યા છે. છતાં હજુ રૂ.6.50 લાખની માંગણી કરી રહ્યો છે. મેં પૈસા નહી આપતા તેના માણસ રાજુ કેશા ઓળકીયાએ બે મહિના પહેલા મારા બાપા ઉપર હુમલો કર્યો હતો. જેથી કેસ કરેલો. અમે તે કેસ કરવા ગયા એટલે રાજુ કેશા ઓળકીયાએ મારા ઘરે આવી મારી પત્ની ઉપર હુમલો કર્યો. આટઆટલું વીત્યા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. હવે વ્યાજખોર હરસુર બેરાણી મને ફોનમાં મનફાવે તેવી ગાળો આપે છે અને મારી નાખવાની ધમકીઓ આપે છે. વ્યાજખોરોને કાયદાનો પણ ડર નથી. જો હવે અમને સરકાર ન્યાય નહી અપાવે તો અમારે આત્મવિલોપન કરવાનો વારો આવશે. - નિલેશભાઇ જાંબુકિયા, ભોગ બનનાર વ્યક્તિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.