અકસ્માત:ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ચાર ગોથાં ખાઇ ગઇ, 1નું મોત, 3 ગંભીર

જસદણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોગલ માતાના મંદિરે દર્શન માટે જતા મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત
  • જસદણ પાસેની ભયજનક ગોળાઇ પસાર કરતી વખતે બન્યો બનાવ

રાજકોટ - ભાવનગર હાઇવે ઉપર આવેલા જસદણ તાલુકાના વિરનગર અને બળઘોઇ ગામ વચ્‍ચે રાજકોટથી જસદણ મોગલ માતાના મંદિરે દર્શને જતા ચાર મિત્રોની કાર ગત મોડી રાત્રે 2 વાગ્‍યા આસપાસ પલટી જતાં રાજકોટના એક યુવાનનું મોત થયું હતું. જયારે ત્રણને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યા હતા.

નોંધનીય છે કે ચારેય મિત્રો મોડી રાતે દર્શને જવા નિકળ્યા હતા અને બળધોઇ પાસેની ભયજનક ગોળાઇ ચાલક કાપી શક્યો ન હતો અને કાર ચાર ગોથાં ખાઇ ખેતરમાં જઇને પલટી મારી ગઇ હતી. જેનું મોત થયું એ યુવાન પરિવારનો એકનો એક પુત્ર હતો. આ બનાવની જાણ થતાં પરિવાર પર વજ્રાઘાત થયો હતો અને પરિજનોના કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

આ અકસ્માત અંગે પોલીસમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, રાજકોટથી ચાર યુવાન મોડી રાત્રીના એક વાગ્‍યા આસપાસ કાર લઇ જસદણ ખાતે આવેલા મોંગલ માતાના મંદિરે પાટોત્‍સવમાં હાજરી આપવા અને દર્શન કરવા નિકળ્‍યા હતાં. તે દરમિયાન વિરનગર ગામ પહેલા આવેલી ગોળાઇ કાપતી વખતે ચાલકે કોઇ કારણોસર કારનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ચાર ગોથાં ખાઇને પલટી જતાં કારમાં સવાર મહેકભાઇ ઉમેદભાઇ મકવાણા(ઉ.વ.32)(રહે-બાપલીયા મેઇન રોડ, સુભાષ બ્રીજ શેરી નં.3 અર્જુન પાર્કની બાજુમાં) નું મોત થયુ હતું.

જયારે પાર્થરાજસિંહ ચંદ્રસિંહ ચાવડા(રહે-માધાપર ચોકડી પાસે), હરદિપસિંહ ચૌહાણ, અને ધૃવરાજસિંહ રાઠોડને ગંભીર ઇજા થતા પ્રથમ જસદણ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યા હતા. જે કારનો અકસ્માત સર્જાયો હતો તે ચારેય વ્યકિત કાર નં. GJ-03LR-2147 લઇને જસદણ ખાતે મોંગલ માતાના મંદિરે પાટોત્‍સવ નિમિતે ગત મોડી રાત્રે ભજનનો લ્‍હાવો લેવા આવતા હતાં. ત્યારે આ બનાવ બનતાં જસદણ પંથકના મોગલ ભક્તોમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ બનાવની જાણ થતાં આટકોટના પીએસઆઇ મેતા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...