જસદણમાં કામે જતી યુવતીનો તેના પ્રેમીએ પીછો કરી તેનો હાથ પકડી ફડાકા ઝીંકી “તું મારી નહીં તો કોઈની નહીં” કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે યુવતીને તેમના નાનીએ હિંમત આપતા આરોપી પ્રેમી સામે જસદણ પોલીસ મથકમાં છેડતી અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જસદણ પોલીસે આરોપીને સકંજામાં લઈ આગળની તજવીજ આદરી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જસદણમાં રહેતી એક યુવતીએ પોલીસ ફરિયાદમાં ગઢડીયા ગામના વિશાલ પ્રાગજીભાઈ પરમારનું નામ આપતા છેડતી, મારકૂટ અને ધમકી અંગેની જસદણ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા હેડકોન્સ્ટેબલ કિરીટભાઈ ખાચરે વધુ તપાસ આદરી હતી. આ બનાવમાં યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું કેટરર્સના કામે જઈ પરિવારને મદદરૂપ થાવ છું. તા.12-5 ના રોજ હું મારું કામ પૂરું કરી ઘરે જતી હતી. ત્યારે ઘર નજીક આવતા શાકમાર્કેટ પાસે પહોંચતા ગઢડીયા ગામના વતની વિશાલ મારો પીછો કરી પાછળથી આવી હાથ પકડી ગાળો આપી ફડાકા ઝીંકી દીધા હતા.
બાદમાં મને હાથ પકડીને પોતાના એક્ટિવામાં બેસાડવાનો પ્રયાસ કરતો હતો. જેથી મેં તેમને ના પાડી હતી. વધુમાં વિશાલ ધમકી આપતો હતો કે હું તને એક દિવસ તો મારી બનાવીને જ રહીશ. ત્યારબાદ વિશાલે ધમકી આપી હતી કે તારે મારી સાથે જ સગાઈ કરવાની છે. તું મારી નહીં તો કોઈની નહીં થવા દઉં તેમજ તું મારી સિવાય અન્ય જગ્યાએ લગ્ન કરીશ તો તને જાનથી મારી નાખીશ.
આ બનાવ બાદ હું ઘરે જતી રહી હતી. ત્યારબાદ સતત ડર સતાવતો હતો કે હું જ્યાં કામે જાવ છું ત્યાં આવી આ વિશાલ હેરાન પરેશાન કરશે તો અને ધમકી આપશે તો તેવુ વિચારી ફરિયાદ કરી ન હતી હતી. ત્યારબાદ ડરને કારણે મારા નાનીને સમગ્ર ઘટનાની હકીકત જણાવતા તેઓએ હિંમત આપતા જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.