જસદણ પંથકમાં બે બનાવમાં બે માનવ જિંદગી હોમાઇ ચૂકી છે જેમાં એક ઘટનામાં આશાસ્પદ યુવાને ઝેરી દવા ગટગટાવી લઇને જિંદગીનો અંત આણી લીધો હતો તો અન્ય એક બનાવમાં વીંછિયાના બંધાળી ગામે તળાવમાંથી પરિણીતાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં પોલીસ દોડી ગઇ હતી. બન્ને બનાવની તપાસ આરંભાઇ છે.જસદણના મોતીચોકમાં રહેતા અને રાજકોટમાં ફિલ્ટર પાણીનો ધંધો કરતા આશાસ્પદ યુવાને માનસિક બીમારીથી કંટાળી જઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, જસદણની મધ્યમાં આવેલ મોતીચોક વિસ્તારમાં રહેતા અને રાજકોટમાં ફિલ્ટર પાણીનો ધંધો કરતા રીકી નટવરલાલ હીરપરા(ઉ.વ.27) નામના આશાસ્પદ યુવાને પોતાના ઘરે રૂમમાં જઈ ગત મોડી રાત્રીના એકલતાનો લાભ ઉઠાવી ઝેરી દવા પીને આપઘાત કરી લેતા પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા. આ બનાવમાં મૃતક પાસેથી જસદણ પોલીસને સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં યુવાને માનસિક બીમારીના લીધે જીવન ટૂંકાવી લીધાનું જણાવ્યું હતું.
જેથી જસદણ પોલીસે આશાસ્પદ યુવાનની લાશનો કબજો મેળવી તેની લાશને જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં વિંછીયાના બંધાળી ગામે આવેલા તળાવમાંથી 23 વર્ષીય પરિણીત મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં પોલીસે મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.
તાલુકાના બંધાળી ગામે રહેતી વર્ષાબેન બુધેશભાઈ મકવાણા(ઉ.વ.23) નામની પરિણીત મહિલાની લાશ તરતી હોવાની જાણ થતા વિંછીયા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો સંભાળી લાશને પીએમ અર્થે વિંછીયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી.
આ બનાવમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, મૃતક પરિણીત મહિલા વીંછિયાના બંધાળી ગામે રહેતા હતા અને 10 મહિના પહેલાં જ તેના લગ્ન થયા હતા અને કોઈ અગમ્ય કારણોસર તળાવમાં પડી જતા તેઓનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનો લઈ બનાવનું સાચું કારણ જાણવા માટે આગળની કાર્યવાહી આરંભી છે. આ બનાવની આગળની તપાસ ગોંડલ ડીવાયએસપી ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.