તપાસ:જસદણમાંથી બે દિવસ પહેલા ગુમ આધેડની લાશ ચેકડેમમાંથી મળી

જસદણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા, કાંઠે બેસીને નહાતી વખતે પગ લપસી ગયાનું તારણ

જસદણમાં નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ આનંદનગર વિસ્તારમાં રહેતા બટુકભાઈ મૂળજીભાઈ ઢોલરીયા(ઉ.વ.50) બે દિવસ પહેલા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. જે અંગે મૃતકના ભત્રીજા ધર્મેશભાઈ ઢોલરિયાએ જસદણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે આજે સોમવારે સવારે બટુકભાઈની લાશ કલોરાણા ગામ જવાના માર્ગેથી પસાર થતી આડી ભાદર નદીના ચેકડેમમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવતા પરિવારજનોમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.

જો કે આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકના જમાદાર હિંમતભાઈ ધોરીયા અને કિરીટભાઈ ખાચર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નદીમાં પડેલી લાશને બહાર કાઢી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં મૃતક આધેડ બટુકભાઈને તરતા આવડતું ન હતું અને કાંઠે બેસીને નહાતા હશે ત્યારે અકસ્માતે પગ લપસી જતા આ ઘટના બની હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી.

જો કે આ ઘટનાની જાણ થતા જસદણના પૂર્વ નગરપતિ ધીરૂભાઈ ભાયાણી, વિવેકાનંદ મોક્ષધામના ધીરૂભાઈ છાયાણી, કિશોરભાઈ છાયાણી, નગરપાલિકાના કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા, મૃતકના મોટાભાઈ મગનભાઈ ઢોલરીયા તેમજ મૃતકના ભત્રીજા ધર્મેશભાઈ ઢોલરીયા સહિતના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ બનાવમાં જસદણ પોલીસને આડી ભાદર નદીના કાંઠેથી મૃતકના કપડા, મોબાઈલ અને પાકીટ સહિતની ચીજવસ્તુઓ મળી આવતા તેને કબજે કરવામાં આવી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૃતક આધેડ અપરણિત હતા અને નિવૃત્ત જીવન ગાળતા હતા. હાલ આ બનાવની વિશેષ તપાસ જસદણ પોલીસ મથકના જમાદાર હિંમતભાઈ ધોરીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...