સર્વાનુમતે બહાલી:જસદણના કારોબારી ચેરમેનની નિમણૂક ટૂંક સમય માટે મુલતવી

જસદણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની સામાન્ય સભામાં 9 મુદ્દાની વિચારણા બાદ સર્વાનુમતે બહાલી
  • કારોબારી ચેરમેન તરીકે બે જ નામ ચર્ચામાં આવતાં પક્ષ મૂંઝવણમાં

જસદણ નગરપાલિકાના સભાખંડ ખાતે ગુરૂવારે સવારે 10-30 કલાકે પાંચમી સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જસદણ નગરપાલિકાની મળેલી પાંચમી સામાન્ય સભામાં શહેરના વિકાસને લગતા મુખ્ય 9 મુદ્દા મળી કુલ 40 જેટલા વિકાસ કામોને વંચાણે લેવામાં આવ્યા હતા. જેમાં વિવિધ વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલ દરખાસ્તોને વંચાણે લઈ નગરજનોના હિતમાં ભાજપ-કોંગ્રેસના સભ્યોએ સર્વાનુમતે બહાલી આપી વિકાસને વેગવંતો બનાવ્યો હતો.

આ સામાન્ય સભામાં રોડ-રસ્તા, પાણી, ગટર અને પુલ સહિતના કામોને બહાલી આપવામાં આવી હતી. સાથોસાથ જસદણ નગરપાલિકાના કારોબારી ચેરમેન કાજલબેન પ્રવિણભાઈ ઘોડકીયાની ટર્મ પૂરી થતા નવા કારોબારી ચેરમેનની નિમણુંક કરવાની હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના આદેશથી નવા કારોબારી ચેરમેન પદની જગ્યા ટૂંક સમય માટે ખાલી જ રાખવામાં આવી હતી. જો કે જસદણ નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો પૈકી માત્ર બે જ નામો કારોબારી ચેરમેન તરીકે ચર્ચામાં હોવાથી ભારતીય જનતા પાર્ટી ભારે મુંઝવણમાં મુકાઈ ગઈ હતી.

જેના લીધે નવા કારોબારી ચેરમેન પદની કોને જવાબદારી સોંપવી તેવી વિચારણા કરવા માટે ટૂંકા સમય બાદ ફરી સામાન્ય સભા યોજવામાં આવશે. પરંતુ જો પાર્ટી દ્વારા યોગ્ય વિચારણા કર્યા બાદ કોઈ નવા નામની જાહેરાત કરવામાં આવશે તો રાજકીય વાવાઝોડું સર્જાઈ શકે તેવા એંધાણ હાલની સ્થિતિ મુજબ વર્તાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...