આક્રોશ:જસદણના તલાટીઓ કાલથી કાળી પટ્ટી સાથે ફરજ બજાવશે

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માગણીઓ સંતોષવાની અનેકાનેક રજૂઆતો પાણીમાં ગઇ!
  • પડતર પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો અચોક્કસ મુદતની હડતાળ

જસદણ તાલુકા પંચાયત તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ અને જિલ્લા મંડળના ઉપપ્રમુખ પી.આર.ધાધલએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓના ઘણા સમયથી પડતર પ્રશ્નો છે. જે અંગે ગત તા.13 ના દરેક જિલ્લાના કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને તલાટી કમ મંત્રીઓની ન્યાયિક માંગણીઓ સંતોષવા અને પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. તે સમયે જો પડતર પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો આંદોલનાત્મક કાર્યક્રમો કરીશું તેમ જણાવવામાં આવેલ હતું.

પરંતુ સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રત્યુત્તર મળેલ ન હોવાથી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આગામી તા.20 ને સોમવારે જસદણ તાલુકાના તલાટી કમ મંત્રીઓ કાળીપટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે. બાદમાં આગામી તા.27 ના રોજ ફરજ પર હાજર રહી પેન-ડાઉન કાર્યક્રમ કરશે. ત્યારબાદ આગામી તા.1-10-2021 ના રોજ માસ સી.એલ. મૂકી તાલુકા કચેરી ખાતે બેનર સાથે દેખાવો કરાશે.

આગામી તા.7-10-2021 ના રોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે એક દિવસીય ધરણા કરવામાં આવશે અને તા.13-10-2021 ના રોજ રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના ધરણા કરશે. તેમ છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો અચોક્કસ મુદતની હડતાલનું એલાન ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે તેમ જસદણ તાલુકા પંચાયત તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ અને જિલ્લા મંડળના ઉપપ્રમુખ પી.આર.ધાધલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...