સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા સહિતના સફાઈ કામદારો દ્વારા આટકોટ ગ્રામપંચાયતના તલાટી મંત્રીને સફાઈ કામદારોના પગાર વધારા પ્રશ્ને રજૂઆત કરી હતી. કારણ કે વર્ષોથી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારોને મહીને માત્ર રૂ.2500 પગાર ચૂકવવામાં આવે છે.
હાલ લઘુત્તમ વેતન મુજબ રોજનું રૂ.389 વેતન ચૂકવવાનું હોય છે. છતાં કામદારોને ચુકવવામાં આવતું ન હોવાથી તલાટી મંત્રીને પગાર વધારાની રજૂઆત કરી હતી. આટકોટ ગામના સફાઈ કામદારોનું ગ્રામપંચાયતના જવાબદારો દ્વારા શોષણ કરાતું હોવાથી સફાઈ કામદારોમાં નારાજગી ઉઠી છે.
જો આગામી સાત દિવસમાં આટકોટ ગ્રામપંચાયતના તમામ સફાઈ કામદારોને પગાર વધારો કરી આપવામાં નહી આવે તો તમામ સફાઈ કામદારોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે આ અંગે આટકોટ ગ્રામપંચાયતના તલાટી મંત્રી નીલેશ રાજપરાનો ટેલીફોનીક સંપર્ક કરાતા થઇ શક્યો ન હતો. આમ તેમની ફરજ પરની બેદરકારીભરી કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા.
આટકોટમાં કુલ 7 વોર્ડ છે. આ સાતેય વોર્ડમાં માત્ર એક-એક સફાઈ કામદાર જ કામગીરી કરી રહ્યા છે
આટકોટ ગ્રામપંચાયતના તલાટી મંત્રીને રૂબરૂ રજૂઆત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમે પહેલેથી જ આજ વેતન સફાઈ કામદારોને આપીએ છીએ. જેથી અમે તેમને સરકારના પરિપત્ર મુજબ વેતન ચુકવવા માટે રજૂઆત કરી હતી. કારણ કે આટલા પગારમાં સફાઈ કામદારોને દૂધના પૈસા પણ ન થાય તેટલું ઓછું વેતન ચુકવવામાં આવે છે.
હાલ આટકોટમાં સાત વોર્ડ છે અને સાતેય વોર્ડમાં માત્ર એક-એક સફાઈ કામદાર મૂકી તેનું શોષણ કરવામાં આવે છે અને ખરેખર એક વોર્ડમાં પાંચથી સાત સફાઈ કામદાર હોવા જોઈએ. જો આગામી સાત દિવસમાં આટકોટ ગ્રામપંચાયત દ્વારા સફાઈ કામદારોને વેતન વધારો કરી આપવામાં નહી આવે તો તમામ સફાઈ કામદારો પોતાની સફાઈ કામગીરીનો બહિષ્કાર કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. - જીતુભાઈ બારૈયા, પ્રદેશ પ્રમુખ,સમસ્ત વાલ્મીકી સમાજ
રજૂઆત આવી નથી, છતાં હું તલાટી મંત્રીને પૂછી લઉં છું
આ બાબતે આટકોટના સફાઈ કામદારોની રજૂઆત હજુ મારા સુધી આવી નથી. જો તેમણે આટકોટના તલાટી મંત્રીને રજૂઆત કરી હશે તો હું હમણાં જ તલાટી મંત્રી સાથે વાત કરી લઉં છું અને આ અંગે પૂછી લઉં છું. - કે.આર.પરમાર, ટીડીઓ,જસદણ તાલુકા પંચાયત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.