સ્વપ્નો જોવાનો સહુને અધિકાર છે અને એ પુરા કરવાનો પણ. સ્વપ્નોને પાંખો આપવી હોય તો સતત સંઘર્ષ કરવાની તૈયારી હોવી જોઇએ અને પછી સફળતા ન મળે તેવું બને નહીં. જસદણની સરકારી શાળામાં અભ્યાસ કરીને આગળ આવ્યા બાદ સીએનો અભ્યાસ કરવા રાજકોટ આવી અને અત્યંત સામાન્ય એવા પરિવારની દીકરીએ માતા પિતાની મહેનત ઉજાળી છે અને પોતે ઇચ્છિત મુકામ હાંસલ કરી અન્યો માટે પ્રેરણા બની છે.
જસદણમાં વાજસુરપરા વિસ્તારમાં આવેલા નવા પોલીસ સ્ટેશન સામે રહેતા અને શહેરના જૂના બસસ્ટેન્ડમાં શીંગ-દાળીયાની છેલ્લા 25 વર્ષથી લારી ચલાવતા વિનોદભાઈ સિંધવની દીકરી હીના સિંધવ(ઉ.વ.22) એ કોલેજનો અભ્યાસ કરતા-કરતા ડિસેમ્બર-2021 માં સી.એ.ની પરીક્ષા આપી સિદ્ધિ હાંસલ કરી પોતાનું સ્વપ્નું સાકાર કરી બતાવ્યું હતું. તેણીએ 24 કલાકમાં 12 થી 15 કલાક વાંચન કરી આ મુકામ મેળવ્યો છે.
હિના સિંધવ બે ભાઈ અને બે બહેનમાં ત્રીજા નંબરની છે. તેણીએ ધોરણ-1થી7 જસદણની વેણીલાલ કલ્યાણી સરકારી શાળામાં અને ધોરણ-8થી12 જસદણની કન્યા વિનય મંદિર સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કરી રાજકોટની કોલેજમાં બી.કોમ પાસ કર્યું હતું. પોતે એકલી ક્યારેય પરિવારથી દૂર રહી ન હતી અને અભ્યાસ અર્થે પોતે એકલી રાજકોટની હોસ્ટેલમાં રહી ખુબ જ સંઘર્ષ બાદ અંતે સફળતા મેળવી હતી. તેમનું નાનપણથી જ સ્વપ્નું હતું કે મારે સી.એ. બનવું છે, અને તેણે બનીને બતાવ્યું.
એકલી રહેવાની ટેવ ન હતી, મને તાવ આવી જતો છતાં સ્વપ્ન પૂરા કરવા હિંમત ન હારી
હીના જણાવે છે કે હું ક્યારેય પરિવારને મુકીને ઘરેથી એકલી બહાર ગઈ ન હોવાથી શરૂઆતમાં હું જ્યારે રાજકોટની હોસ્ટેલમાં રહેતી હતી ત્યારે મને તાવ આવી જતો હતો. એકલા રહેવાનું અને અજાણ્યા શહેરમાં રહી અભ્યાસ કરવાનું મારા માટે કપરું હતું. જો કે બાદમાં મારા માતા-પિતાના આશીર્વાદ અને સહકારને લીધે મને તમામ ડર નીકળી ગયા. મને જો કોરોના પોઝિટિવ આવશે તો હું પરીક્ષા નહી આપી શકું તેવો ડર હતો. પરંતુ મેં હિંમત ન હારી અને સી.એ.ની પરીક્ષા આપી મારું સ્વપ્નું સાર્થક કર્યું.
મારા માતા-પિતાએ પોતે પૈસાની ખેંચ ભોગવી હતી પણ મને ક્યારેય પૈસાની ખેંચ પડવા દીધી નથી. મારા માતા રતનબેન પણ મને ભણાવવા માટે ખેત મજૂરીકામે જતા અને મને મદદ કરતા હતા. મારા પિતા 8 ધોરણ ભણેલા છે અને માતા રતનબેન 5 ધોરણ પાસ છે. મારા માતા-પિતાએ ઘરનું મકાન લેવાના બદલે મને ભણાવી અને મારા બન્ને ભાઈઓ નરેન્દ્ર અને આશિષે પણ ધોરણ-10 સુધી અભ્યાસ કરી મારા પિતાના વ્યવસાયમાં જોડાઈ જઈ મને મદદરૂપ થવા લાગ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.