શોધખોળ:આટકોટ રોડ પર એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાંથી રૂ.20 હજારના કોપર વાયરની તસ્કરી

જસદણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડી રાત્રે તસ્કરો કારખાનામાં ત્રાટક્યા, તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ
  • પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરને પકડી પાડવા શોધખોળ શરૂ કરી

જસદણના આટકોટ રોડ પર આવેલ રૂદ્ર એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં ગત તા.15 ની મોડી રાત્રે કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરવાના ઈરાદે ખાબક્યો હતો અને ઈન્ડસ્ટ્રીઝમાં રહેલા અંદાજે રૂ.20 હજારના કોપર વાયરની ચોરી કરી નાસી જતા અન્ય ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે જે ઈન્ડસ્ટ્રીઝમાં કોપર વાયરની ચોરી થઈ હતી ત્યાં સીસીટીવી કેમેરા લગાવેલા હોવાથી ચોરી કરનાર તસ્કર કેમેરામાં કેદ થઈ ગયો હતો.

આ ચોરીના બનાવ અંગેની જસદણ પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈન્ડસ્ટ્રીઝમાં રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોરને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી. જસદણમાં લાંબા સમય બાદ તસ્કરોએ માંથું ઉચકતા અન્ય ઉદ્યોગકારોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

સાથોસાથ આ ઈન્ડસ્ટ્રીઝમાંથી કોપર વાયરની ચોરી કરનાર તસ્કરે પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંકતા જસદણ પોલીસની કામગીરી સામે નગરજનોમાં મોઢા તેટલી વાતો થવા લાગી હતી. આ ચોરીના બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી. પરંતુ આ લખાય છે ત્યાં સુધી જસદણ પોલીસને કોઈ સફળતા મળી ન હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...