ચોરી:વીરનગરમાં તસ્કરોનું બે ઓઇલમિલમાં નાઇટ કોમ્બિંગ, 1.30 લાખ રોકડની ચોરી

જસદણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે બુકાનીધારી સીસીટીવી કેમેરામાં કેદ, બે મહિનામાં ચોરીની આ છઠ્ઠી ઘટના
  • ચોરને ઝડપીને કાયદાનું ભાન નહીં કરાવાય તો મતદાનના બહિષ્કારની ચીમકી

જસદણ તાલુકાના વિરનગર ગામે છેલ્લા 2 મહિનામાં ચોરીના 6 બનાવો બનતા ગ્રામજનોમાં પોલીસ તંત્રની કામગીરી સામે ભારે રોષ છે. મોડી રાત્રીના બે બુકાનીધારી તસ્કરોએ બે ઓઈલ મિલને નિશાન બનાવી હતી અને મિલના શટર તોડી અંદર પ્રવેશી રૂ.1.30 લાખની રોકડની ચોરી કરી નાસી ગયા હતા.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ચૂંટણી પહેલા જો ચોરીને અંજામ આપનારા અજાણ્યા તસ્કરોને પોલીસ દ્વારા પકડી પાડી કાયદાનું ભાન કરાવવામાં નહી આવે તો મતદારો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જો કે આ ચોરીના બનાવમાં હાલ આટકોટ પોલીસે ફૂટેજને કબજે કરી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગામ સીસીટીવીથી સજ્જ છતાં ચોરી ઘટતી નથી
વીરનગર ગામે છેલ્લા 2 મહિનામાં 6 ચોરીના બનાવો બન્યા છે. જો કે આ ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ હોવા છતાં છાશવારે ચોરીના બનાવો બની રહ્યા હોવાથી સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. બે મહિનામાં અહીં 6 ચોરી થઇ, એક પણનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી.

થોડા દી’ પૂર્વે સ્મશાનનો ખાટલો પણ ચોરાયો ’તો
ગામના જગદીશભાઈ વઘાસીયાએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જ ગામમાં સ્મશાનનો લોખંડનો ખાટલો ચોરાઈ ગયો હતો. ગામમાં ડિવાઈડર પરનું લોખંડનું ઢાંકણું કે પછી ઓઈલ મીલ હોય કે પછી સ્થાનિક રહીશોના ઘર હોય. આ ગામમાં અવારનવાર થતી ચોરીઓથી પોલીસ અને પ્રશાસન સામે રોષ છે. જેથી અમે ગામ લોકોએ નક્કી કર્યું છે કે જો ચૂંટણી પહેલા આ ચોરોને પોલીસ દ્વારા પકડવામાં નહી આવે તો અમે બધા આવનારી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું.

અન્ય સમાચારો પણ છે...