તંત્ર મૌન:વીંછિયાની બજારમાં દબાણ કરી દુકાનો બનાવવામાં આવી રહી છે, છતાં તંત્ર મૌન

જસદણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક જગ્યાએ દબાણો ખડકાયા છે તે ક્યારે દૂર થશે? સવાલો ઉઠ્યા

વિંછીયામાં આવેલ મોચી બજારમાં અમુક માથાભારે અને રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા લોકોને નડતરરૂપ થાય તે રીતે ગેરકાયદેસર દબાણ કરી દુકાનો બનાવવામાં આવી રહી હોવાની લોકોમાં બુમરાણ ઉઠવા પામી છે. એકબાજુ દિનપ્રતિદિન વિંછીયાની બજારો સાંકડી થઈ રહી છે. છતાં ગ્રામ પંચાયતના કર્મચારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે, વિંછીયામાં છેલ્લા 10 વર્ષથી સરકારની કિંમતી જમીન પર મોટી સંખ્યામાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે.

છતાં કેમ સરકારી તંત્રને આવા ગેરકાયદેસર દબાણો દેખાતા નથી તે સૌથી મોટો સવાલ બની ગયો છે. જો દિવસેને દિવસે આવી જ રીતે વિંછીયાની બજારોમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવશે તો વાહન ચાલે તેટલી પણ જગ્યા નહિ રહે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે વિંછીયા ગ્રામ પંચાયત દ્વારા આવા ગેરકાયદેસર ખડકાતા દબાણો ક્યારે અટકાવવામાં આવશે અને અગાઉ જ્યાં-જ્યાં ગેરકાયદેસર દબાણો ખડક્યા છે તેને ક્યારે દૂર કરાશે તેવા વિંછીયાના જાગૃત લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...