રોગચાળાને મળતું ખુલ્લું આમંત્રણ:જસદણના સમાત રોડ પર 20 દી’થી ગટરના ગંદા પાણીની રેલમછેલ

જસદણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુર્ગંધના લીધે શ્વાસ લઇ શકવો મુશ્કેલ છતાં પાલિકાને કશી પડી નથી !
  • પાલિકા 15 દિવસમાં કાર્યવાહી નહીં આરંભે તો ઉગ્ર આંદોલનની ચીમકી

જસદણમાં ડીએસવીકે હાઈસ્કૂલ પાસે આવેલ સમાતરોડના મેઈન રોડ પર ગટરના ગંદા પાણી છેલ્લા 20 દિવસથી ઉભરાતા હોવાથી સ્થાનિક રહીશો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ જસદણ નવા બસસ્ટેન્ડને જોડતો મુખ્ય રોડ હોવાથી દરરોજ હજારો લોકોની અહીંથી અવરજવર રહે છે. વધુમાં આ ગટરો ઉભરાઈને તેના ગંદા પાણી રોડ પર ફરી વળતા હોવાથી રાહદારીઓને નાછૂટકે મોઢે રૂમાલ બાંધીને પસાર થવું પડી રહ્યું છે. વારંવાર આ સમસ્યા સર્જાતી હોવા છતાંય આજદીન સુધી જસદણ પાલિકા તંત્ર દ્વારા ધ્યાન અપાયું નથી.

જસદણના સમાતરોડ પર છેલ્લા 20 દિવસથી ગટરના ગંદા પાણી નદીની જેમ વહી રહ્યા હોવાથી સ્થાનિક રહીશોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. પાલિકા તંત્રના અધિકારીઓ અને સત્તાધિશો પણ આ રોડ પરથી જતા-આવતા હોવા છતાંય તેઓ પણ ગટરો ઉભરાવવાની આ સમસ્યા પ્રત્યે બેધ્યાન છે. રહિશો દ્વારા અગાઉ અનેકવાર નગરપાલિકાના જવાબદારોને રજૂઆતો કરાઈ છે છતાંય ધ્યાન અપાતું નથી. જો 15 દિવસમાં સમાતરોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી કરવામાં નહી આવે તો પાલિકા કચેરી સામે રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

તંત્રને હવે 15 દિવસની મહેતલ અાપી છે, પછી આંદોલન
અમે આ ગટર પ્રશ્ને છેલ્લા 20 દિવસથી હેરાન થઈએ છીએ. અહિયાં દરેક ઘરમાં ગટરના પાણી ઘુસી જાય છે. જસદણ આખામાં પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે. પણ અમારા રોડ પુરતી જ ગટર જાણી જોઈને બાકી રાખવામાં આવી છે. હાલ અમારી બજારમાં ગટરનો કદડો ખુલ્લેઆમ વહી રહ્યો છે. જેના કારણે રહીશોના આરોગ્ય જોખમમાં મુકાયા છે. આ અંગે પાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે છતાં પાલિકાવાળા કોઈ આવતા નથી. > ગોપીભાાઇ ભલસોડ, રહીશ

અમે તો બધું ફાઈનલ કરી પાલિકાને સોંપી દીધું છે
તે વિસ્તારમાં ચાર વર્ષ પહેલા જ ગટરની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ જે તે સમયે લોકલ પ્રશ્નના હિસાબે કદાચ કામ અટકાવ્યું હોય જેના કારણે કામ થઈ ન શક્યું હોય તેવું બની શકે. હવે આ અંગે જે કાઈ કરવાનું થાય તે પાલિકાને કરવાનું થશે. કારણ કે અમારા તરફથી તો બધું ફાઈનલ કામ કરીને પાલિકાને સોંપી દેવામાં આવ્યું છે. > સંદીપ જોશી, ડેપ્યુટી એન્જિનીયર, પા.પુ. અને ગટર વ્યવસ્થા બોર્ડ,જસદણ.

ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોવાથી આ પ્રશ્ન ઉદભવે છે
અમારા ધ્યાને ગટર ઉભરાવાનો પ્રશ્ન આવતા જ અમે તાત્કાલિક જેટીંગ મશીન લઈને ત્વરિત ગટર સફાઈની કામગીરી કરી પાણી ભરાવાના પ્રશ્નનો નિકાલ કરી આપ્યો છે. ખરેખર આ વિસ્તારમાં ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભૂગર્ભ ગટરની સુવિધા પૂરી પાડવામાં આવી ન હોવાથી વારંવાર આ સમસ્યા ઉદભવે છે. > જીવણભાઈ બારૈયા, ભૂગર્ભ ગટર સુપરવાઈઝર, પાલિકા.

અન્ય સમાચારો પણ છે...