ભાસ્કર ઇમ્પેક્ટ:વીંછિયા પાસે સસ્તા અનાજને બારોબાર વેચવાના કૌભાંડનો રેલો આવ્યો, DSOની ટીમ દોડી આવી

જસદણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વીંછિયાના રેવાણીયા રોડ પર મોડી રાત્રીના ત્રણેક વાગ્યા આસપાસ વીંછિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સસ્તા અનાજના ઘઉં-ચોખાનો જથ્થો ભરેલા ત્રણ શંકાસ્પદ આઈસર નીકળતા તેને અટકાવી ત્રણેય વાહનો પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જોકે આ કૌભાંડના બીજા દિવસે ત્રણ આઈસરના બદલે માત્ર બે જ વાહનો કબજે કર્યા હોવાનું અને હજુ સુધી કોઈ ફોજદારી કાર્યવાહી કરી ન હોવાનું વીંછિયા પીએસઆઈએ જણાવતા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.

જો કે આ અંગે વીંછિયાના ઈન્ચાર્જ મામલતદાર પી.એમ.ભેસાણીયાને ટેલીફોનીક પૂછતાં તેઓએ ત્રણ આઈસર પડ્યા હોવાનું જણાવ્યું હતું. આખરે આ સમગ્ર કૌભાંડનો દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવતાંની સાથે જ રાજકોટના DSO પ્રશાંત માંગુડા સહિતની ટીમ, વીંછિયા પ્રાંત અધિકારી પારસ વાંદા, ઈન્ચાર્જ મામલતદાર પી.એમ.ભેસાણીયા અને ગોડાઉન મેનેજર પ્રવિણાબેન સહિતનો સ્ટાફ ધસી આવ્યો હતો અને ગોડાઉનમાં શંકાસ્પદ પડેલો અનાજનો જથ્થો સરકારી છે કે કેમ વગેરે દિશાએ તપાસ આદરી હતી.

ગોડાઉનમાં CCTV નથી તો તપાસ કેમ થશે ?
વીંછિયા પાસેથી પકડાયેલો શંકાસ્પદ અનાજનો જથ્થો હાલ સરકારી અનાજના ગોડાઉનમાં રાખી દેવામાં આવ્યો છે. જો કે તંત્ર દ્વારા જે ગોડાઉનમાં અનાજનો જથ્થો રાખવામાં આવ્યો છે તેમાં સીસીટીવી કેમેરા જ નથી. તો તપાસનીશ અધિકારીઓ ક્યાં આધારે આ અનાજના કૌભાંડના મૂળ સુધી પહોંચી શકશે તે એક સવાલ છે.

ગાયબ થયેલું આઇસર ગોડાઉનમાં હતું
વીંછિયા પોલીસ સ્ટેશનમાં પડેલા ત્રણ આઈસર પૈકીનું એક ઘઉં ભરેલું આઈસર જે બીજા દિવસે ગાયબ થઈ ગયું હતું તે આઈસર સરકારી અનાજના ગોડાઉનમાં પડેલું નજરે પડ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે વિંછીયા પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થયેલું આ આઈસર આજે રવિવારે કેવી રીતે સરકારી અનાજના ગોડાઉન સુધી પહોંચ્યું ? ડીએસઓની ટીમ દ્વારા આઈસરના ચાલક અને માલિકની સઘન પૂછપરછ કરાઇ હતી.

ગુનેગાર સામે કાર્યવાહી કરાશે
વીંછિયા પીએસઆઈ દ્વારા જે ઘઉં અને ચોખાનો જથ્થો પકડેલો છે તે જથ્થો સ્થગિત કરીને આપણા ગોડાઉનમાં રાખવામાં આવેલો છે. આ જથ્થો ક્યાંથી આવેલો છે, કેવી રીતે આવેલો છે એ તપાસનો વિષય છે. તપાસની પ્રક્રિયા હાલ ચાલુ છે. આ તપાસના અંતે અમને જાણવા મળશે કે આ જથ્થો ખરેખર ક્યાંથી આવ્યો અને ખરેખર આ જથ્થો સસ્તા અનાજની દુકાનનો છે કે કેમ તેના વિષે વિગતવાર તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ તેની કાર્યવાહી કરવામાં આવશે અને આમાં તપાસ બાદ જે કોઈ ગુનેગાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. > પ્રશાંત માંગુડા, જિલ્લા પુરવઠા અધિકાર, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...