કૌભાંડ:વીંછિયા પાસે સસ્તા અનાજને વેચી દેવાનું કૌભાંડ,પોલીસે 3 વાહન કબજે લઇ બે બતાવ્યા, મામલતદાર કહે છે 3 હતા

જસદણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સસ્તા અનાજ ભરેલા 3 વાહન કબજે કરી બાદમાં પોલીસે 2 કરી નાખ્યા અને ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ હાથ ન ધરતાં મુદો ટોક ઓફ ધ ટાઉન. - Divya Bhaskar
સસ્તા અનાજ ભરેલા 3 વાહન કબજે કરી બાદમાં પોલીસે 2 કરી નાખ્યા અને ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ હાથ ન ધરતાં મુદો ટોક ઓફ ધ ટાઉન.
  • ગુુરુવારે મોડી રાતે ઝડપેલા અને અનાજ ભરેલા ત્રણ પૈકી એક આઇશરને સવારે પોલીસ સ્ટેશનમાંથી ગાયબ કરી દેવામાં આવ્યું
  • ​​​​​​​સમગ્ર કારસ્તાનને 48 કલાક વીતવા છતાં વીંછિયા પોલીસે હજુ સુધી કોઈ ફોજદારી કાર્યવાહી ન કરતાં ઉઠ્યા અનેક સવાલો

વીંછિયાના રેવાણીયા રોડ પર ગત ગુરૂવારે મોડી રાત્રીના ત્રણેક વાગ્યા આસપાસ વીંછિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સસ્તા અનાજના ઘઉં-ચોખાનો જથ્થો ભરેલા ત્રણ શંકાસ્પદ આઈસર નંબર GJ-03 AZ-9113, GJ-03 BW-4875 અને GJ-06 XX-8011 નીકળતા તેને અટકાવી તમામ જથ્થો અને ત્રણેય વાહનો વીંછિયા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જોકે શનિવારે સાંજ સુધીમાં આ કારસ્તાન અંગે કોઈ જ ફોજદારી કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આથી જ્યારે આ અંગે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ વીંછિયા પીએસઆઈ આર.કે.ચાવડાને આ કારસ્તાન અંગેપૂછતાં તેઓએ ત્રણ આઈસરના બદલે માત્ર બે જ વાહનો કબજે કર્યા હોવાનું અને હજુ સુધી કોઈ ફોજદારી કાર્યવાહી કરી ન હોવાનું જણાવ્યું હતું. જો કે વીંછિયા પોલીસ સ્ટેશનમાં ત્રણે આઈસરના ફોટા દિવ્ય ભાસ્કરની ટીમ પાસે છે જ. આ અંગે વીંછિયાના ઈન્ચાર્જ મામલતદાર પી.એમ.ભેસાણીયાને પૂછતાં તેઓએ પણ ત્રણ આઈસર હોવાની કબુલાત આપી હતી. હાલ પકડાયેલો જથ્થો રેવાણીયા રોડ પર આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં જ રાખી દેવામાં આવ્યો છે.

ત્યારે સવાલ એ થાય છે કે આ કારસ્તાન અંગે વીંછિયા પીએસઆઈ સાચા છે કે પછી મામલતદાર તે તપાસનો વિષય બની જવા પામ્યો છે. પોલીસ સ્ટેશનમાં પડેલા ત્રણ પૈકીનું GJ-06XX-8011 નંબર વાળું ઘઉં ભરેલું આઈસર બીજા દિવસે ક્યાં ગાયબ કરી દેવામાં આવ્યું છે તેની ખરેખર તપાસ થવી જોઈએ. આ સમગ્ર કારસ્તાન જયાંથી ચાલતું હતું તેવા રેવાણીયા રોડ પર આવેલા સરકારી અનાજના ગોડાઉનના ઈન્ચાર્જ પ્રવિણાબેનના મોબાઈલ નંબર 99096 23478 ઉપર સંપર્ક કરવામાં આવતા તેમનો મોબાઈલ સતત સ્વીચ ઓફ આવ્યો હતો.

પોલીસે જથ્થો ફરી રેવાણિયા રોડ પરના સરકારી ગોડાઉનમાં જ ઉતાર્યો
સસ્તા અનાજનો જથ્થો વીંછિયાના ગુંદાળા(જસ) ગામની સીમમાં લઈ જવાતો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આ અનાજનો જથ્થો કૌભાંડિયાઓ બાવળા લઈ જવાના હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ કારસ્તાન અંગે વીંછિયા પીએસઆઈ અને મામલતદારઅજાણ હોવાનું જણાવી રહ્યા છે. તો સવાલ એ થાય છે કે જો આ અનાજનો જથ્થો સરકારી ન હતો તો શા માટે તેને રેવાણીયા રોડ પર આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો છે તે સમજાતું નથી.

300 જેટલી ગુણી હતી, પણ પોલીસે 142 ગુણી જ બતાવી!
પોલીસ મથકના પીએસઆઈ આર.કે.ચાવડાએ 142 અનાજની ગુણી પકડી હોવાનું જણાવ્યું હતું. પરંતુ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, પકડાયેલા ત્રણેય આઈસરમાં અંદાજે 300 જેટલી અનાજની ગુણીઓ ભરેલી હતી. જો ખરેખર જિલ્લા કલેકટર આ અંગે ઝીણવટભરી તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે.

કૌભાંડમાં 5 વ્યક્તિ સામેલ પરંતુ સત્તાવાર જાહેરાત નહીં!
આ કૌભાંડમાં ભાસ્કરની ટીમને શંકાસ્પદ પાંચ નામો ધ્યાને આવ્યા છે. જેમાં મહેશ વિનુ રોજાસરા, મોહન જાદવ રોજાસરા, સુનીલ કટેશીયા (રહે-ગુંદાળા), ધીરૂભાઈ આઈસરવાળા અને મુકેશ ભરત મેરના નામો સામે આવ્યા છે. જોકે આ પાંચેય નામો તંત્ર દ્વારા સત્તાવાર જાહેર કરાયા નથી.

હું ગયો ત્યારે ત્રણ ગાડી હતી
પોલીસે મને બિન હિસાબી ઘઉં પકડાયા હોવાનું જણાવ્યું હતું અને તેનો મને આજે લેટર પણ આપ્યો છે. આ જથ્થો વીંછિયાના વ્યક્તિનો હોવાનું જાણવા મળ્યું છે. આગળની કાર્યવાહી પીએસઆઈ કરશે. હાલ આ માલ સસ્તા અનાજના ગોડાઉનમાં જ રાખ્યો છે. આમાં કોઈ સસ્તા અનાજનું લેબલ ન હતું. મને બોલાવ્યો ત્યારે ત્રણ ગાડી પોલીસ સ્ટેશને હતી. > પી.એમ.ભેસાણીયા, ઈન્ચાર્જ મામલતદાર,વીંછિયા

અહીં બે જ વાહન આવ્યા છે
આ સસ્તા અનાજનું કંઈ નથી. એમની પાસે જે અનાજ હતું એનું બીલ ન હતું. જેથી અત્યારે તે બધું રખાવી દીધું છે. એ લોકો બીલ રજુ કરશે તો છોડી દેશું અને નહિતર કોર્ટમાં ફરિયાદ મૂકી દેશું. 142 બોરી ઘઉં-ચોખા મળી આવેલ છે. અમે બે વાહનો કબજે લીધા છે.> આર.કે.ચાવડા, PSI,વીંછિયા

અન્ય સમાચારો પણ છે...