વીંછિયામાં જાણે કે ગ્રામપંચાયત તંત્ર જ ન હોય તેમ શહેરની મધ્યમાંથી પસાર થતી ગોમા નદીમાં ઈંટોના ભઠ્ઠા સહિતના ગેરકાયદેસર દબાણો ખડકાઈ રહ્યા છે. છતાં વીંછિયા ગ્રામપંચાયત તંત્ર ગેરકાયદેસર ખડકાયેલા દબાણો હટાવવાના બદલે મૌન સેવી રહ્યું હોવાથી લોકોમાં નારાજગી ઉઠવા પામી છે. જેના કારણે આવનારા ચોમાસામાં અનરાધાર વરસાદ પડશે તો નદીનું પાણી ઘુસી જવાની ભીતિ અત્યારથી જ લોકોમાં સેવાઈ રહી છે.
શહેરભરમાં સાફ-સફાઈ અભિયાન હાથ ધરવા સરકારી તંત્ર દ્વારા ગ્રામપંચાયતને જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ આજદિન સુધીમાં વીંછિયા ગ્રામપંચાયત દ્વારા નદીની સાફ-સફાઈ, નદીમાં કરેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં નહી આવતા દબાણકારોને મોકળું મેદાન મળી ગયું છે. આ અંગે જેતે સમયે વીંછિયા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામપંચાયતને દબાણો હટાવવા સહિતની કાર્યવાહી હાથ ધરવા માટે નોટીસ ફટકારી હતી, પરંતુ વીંછિયા ગ્રામપંચાયતે ગોમા નદીમાં ગેરકાયદેસર ખડકેલા દબાણો હટાવવા સહિતની એક પણ કાર્યવાહી હાથ ધરી ન હોવાથી લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
હાલ વીંછિયા ગ્રામપંચાયતની ઢીલી નિતીના લીધે અમુક માથાભારે અને રાજકીય વગ ધરાવતા લોકોએ ગોમા નદીમાં નવા ગેરકાયદેસર બાંધકામો અને ઈંટોના ભઠ્ઠાઓ ખડકી દીધા હોવાથી ગ્રામપંચાયતની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જો આવનારા દિવસોમાં વહેલી તકે ગોમા નદીમાં ખડકાયેલા દબાણો વીંછિયા ગ્રામપંચાયત તંત્ર દ્વારા હટાવવામાં નહી આવે તો આવનારું ચોમાસું શહેર માટે હોનારત સમાન બની શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.