જસદણના વીંછિયા નજીક વાંગધ્રામાં ચાલી રહેલા કોઝવેના કામના વર્ક ઓર્ડર સમજવા બાબતે ગ્રામજનોને સરપંચના પ્રતિનિધિ સાથે માથાકૂટ થઇ પડી હતી અને ગાળાગાળી બાદ મામલો વધુ બીચક્યો હતો અને સરપંચના પ્રતિનિધિએ એક યુવાનને લોખંડનો પાઇપ ફટકારી ઇજા કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને બે સામે ફરિયાદ નોંધાતા આગળની કાર્યવાહી આરંભાઇ હતી.
બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા તસ્વીન ખીમજીભાઇ જાખણીયાએ જણાવ્યું હતું કે હું ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ રાખું છું. તાજેતરમાં અમારા જ ગામના પીતાંબરભાઇ ગુડલિયાએ મને ફોન કરી નવનિર્મિત કોઝવે પાસે આવીને વર્ક ઓર્ડર સમજાવવા કહ્યું હતું.
આથી હું ત્યાં ગયો ત્યારે ત્યાં ધીરૂભાઇ વેગડ,પીતામ્બરભાઇ અને કાનજીભાઇ લાખાણી ઉભા હતા અને તેમની સાથે ગામના સરપંચના પતિ હરેશભાઇ કલ્યાણભાઇ વેગડ પણ હતા. હું અન્યોને વર્ક ઓર્ડર સમજાવતો હતો ત્યારે હરેશભાઇનો પિત્તો ગયો અને તું બહુ આગેવાનનો દીકરો થઇ ગયો કહી ગાળાગાળી શરૂ કરી હતી અને એવામાં નજીક પડેલું ખીલ્લીવાળું લાકડું ઉઠાવીને મારા પર પ્રહાર કર્યો હતો.
એટલું જ નહીં તેના ભાઇ મનીષને બોલાવી બન્ને એ સાથે મળી, તું બહાર નીકળ, તને પતાવી દેવો છે કહીને મારી નાખવાની ધમકી આપી હતી. મને ઇજા થઇ હોય હું વીંછિયા સિવિલ પહોંચ્યો હતો અને સારવાર લીધી હતી. બીજી તરફ હું ઘરે પહોંચું તે પહેલાં હરેશભાઇએ મારી માને એવી ધમકી આપી હતી કે પોલીસ ફરિયાદ કરશો તો મજા નહીં આવે.
આ ફરિયાદના આધારે વીંછિયા પોલીસે હરેશ વેગડ તેમજ મનીષ વેગડ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે. તાજેતરમાં બનેલો આ બનાવ વીંછિયાના નાના એવા ગામમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે અને સોશિલય મીડિયામાં વહેતો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.