કાર્યવાહી:રૂ. 40,000ના 2.76 લાખ ચૂકવ્યા છતાં વધુ એક લાખની ઉઘરાણી થતાં યુવાને ઘર છોડ્યું

જસદણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંધેવાળિયાના યુવાને વાંગધ્રાના શખ્સ પાસેથી લીધેલા નાણાં આપી દીધા છતાં મળતી હતી ધમકી
  • પરિણીત યુવાન બાઈક, ફોન ઘરે મૂકી હમણાં આવું છું કહી નીકળી ગયો, 7 દિવસથી ગુમ

વીંછિયા પંથકમાં વ્યાજખોરો મનફાવે તેવી રકમ વસુલતા હોવાથી લાચાર વ્યક્તિ પરિવારની ચિંતાને લીધે મોતને વ્હાલું કરી રહ્યા છે .એકાદ વર્ષ પહેલા વીંછિયાના ઓરી ગામના ખેડૂતે વ્યાજખોર પાસેથી રૂ.5 લાખ વ્યાજે લીધા બાદ રૂ.45 લાખ ચૂકવી આપ્યા હતા. છતાં વ્યાજખોરે વધુ રૂ.25 લાખની પઠાણી ઉઘરાણી કરતા પોતાના જ ખેતરમાં ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો જે ઘટના ભુલાઈ નથી.

ત્યાં વીંછિયાના વાંગધ્રાના સંદીપ ડેરવાળીયા નામના વ્યાજખોરે કંધેવાળીયાના કિશન મશરૂભાઈ બાંભણિયાને રૂ.40 હજાર ઉંચા વ્યાજે આપ્યા બાદ રૂ.2.76 લાખ વસુલી પણ લીધા. છતાં વધુ રૂ.1 લાખની પઠાણી ઉઘરાણી કરતા અને 10 દિવસમાં રૂપિયા આપી જજે, નહિતર તને ઉપાડી જઈશું તેવી ધમકીઓ આપતા યુવાન ઘર મૂકીને નાસી છૂટ્યો હતો. કિશનની પત્ની સોનલે વીંછિયા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી હોઇ, પોલીસે ગુમશુદા નોંધ કરી કિશનની શોધખોળ હાથ ધરી હતી, જો કે જે કાર્યવાહી પણ હજુ આગળ વધી નથી.

મને અને મારી દીકરીને બચાવો: પત્નીનો વલોપાત
સોનલ કિશનભાઈ બાંભણિયાએ વીંછિયા પોલીસ સ્ટેશનમાં આપેલ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિએ સંદીપ ડેરવાળીયા પાસેથી અઢી વર્ષ પહેલા કટકે-કટકે રૂ.40 હજાર ધંધામાં રોકવા વ્યાજે લીધા હતા. જે પેટે મારા પતિએ તેને રૂ.2,76,500 ચૂકવી પણ આપ્યા છે. છતાં સંદીપ વધુ એક લાખ માગી રહ્યો હતો.

મારા પતિને ફોનમાં પણ ધમકીઓ અપાતી હતી, આથી મારા પતિ બાઈક અને મોબાઈલ મૂકી હમણાં આવું છું કહી ઘરેથી નીકળી ગયા છે.અમને આવા માથાભારે વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવો તેવો વલોપાત ફરિયાદમાં વર્ણવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...