હાલાકી:વીંછિયાથી ઢેઢુકી ગામ સુધીના ચાલતા રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાની રાવ

જસદણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CM સહિતનાને લેખિત રજૂઆત, કામ 1 વર્ષથી ઢીલમાં થતું હોવાથી ચાલકો પરેશાન

વીંછિયાથી ઢેઢુકી ગામ સુધીના રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું અને ગોકળગાયની માફક રોડની કામગીરી કરાતી હોવાની રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ રાજપરા અને જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ તલસાણીયાએ મુખ્યમંત્રી તેમજ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે, આ રોડનું કામ ગોકળગાયની માફક કરાતું હોવાથી વાહનચાલકોને જ ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે. વીંછિયાથી ઢેઢુકી સુધીના રોડની અંદર પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે અને એક વર્ષથી આ રોડનું કામ ચાલુ છે. પરંતુ ગોકળગાયની માફક ધીમે-ધીમે માત્રને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કશું જ થતું નથી. વીંછિયાથી ઢેઢુકી સુધીનો રોડ છાસિયા અને ચોટીલા જેવા મુખ્ય રોડને જોડતો હોવાથી રોજ હજારો ચાલકો પસાર થતા હોય છે. પરંતુ ખરાબ રસ્તાના કારણે અનેક પ્રકારના અકસ્માતો સર્જાયા કરે છે. તમામ વાહનચાલકો પૂરતા પ્રમાણમાં સરકારને રોડ ટેક્ષ ભરતા હોય છે છતાં સારા રોડની સુવિધા મળતી નથી. વીંછિયા તાલુકાના ગામડામાં જે કોઈ રોડ-રસ્તાઓ બનતા હોય તે તમામ રોડમાં મોટાભાગનો ભ્રષ્ટાચાર જોવા મળે છે. જેથી યુદ્ધના ધોરણે આ રોડનું કામ પરિપૂર્ણ કરવામાં આવે અને આ રોડમાં કરાતો ભ્રષ્ટાચાર અટકાવવામાં આવે તેવી મુખ્યમંત્રી અને કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...