જસદણના આટકોટ રોડ પર જાણીતી કંપનીના નામે નકલી તમાકુ બનાવતા મીની કારખાના પર સ્થાનિક પોલીસે દરોડો પાડીને નકલી તમાકુ બનાવવાના સાધનો, પાઉચ તેમજ વજનકાંટા સહિતનો 1.45 લાખનો મુદામાલ કબજે લઇ પોલીસે પિતા પુત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી આરંભી છે. આ બન્ને શખ્સ છેલ્લા કેટલા સમયથી આવો વેપલો કરતા હતા અને કોને કોને આવો નકલી માલ મોકલતા હતા એ સહિતની વિગતો મેળવવા પોલીસે બન્નેની પૂછપરછ આરંભી છે.
આટકોટ રોડ પર આવેલ સીટી પ્રાઈડ સિનેમા સામે પ્લોટીંગ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રહેણાંક મકાનમાં ઉર્મીન પ્રોડક્ટ્સ પ્રા. લીમીટેડ કંપનીના કોઈ આધાર પરવાના કે પરમીશન વગર ડુપ્લીકેટ 138 તમાકુ બનાવવાનું અને પાઉચ પેકિંગ કરવાનું કારખાનું ચલાવી માનવ શરીરને નુકસાનકારક વસ્તુઓનું વેચાણ થતું હોવાની જસદણ પોલીસ મથકના પીએસઆઈ એમ.આર.સિંધવને બાતમી મળી હતી.
જેના આધારે જસદણ પોલીસ મથકના જમાદાર સુરેશભાઈ ગોહિલ, કોન્સ્ટેબલ ફુરકાનભાઈ ગીગાણી, જીતેન્દ્રભાઈ ગોહિલ, મહીપતભાઈ જાંબુકીયા, સંજયભાઈ મેણીયા અને ભાવેશભાઈ પરમાર સહિતના સ્ટાફ મકાન પર ધસી ગયો હતો અને તમાકુંના તૈયાર પાઉચ નંગ-6400 રૂ.32,000, તમાકુંના નકલી રોલ નંગ-8 રૂ.40,000, 100 નંગ પાઉચ રૂ.500, ડુપ્લીકેટ સુગંધિત તમાકું રૂ.18,000, તમાકુંનું પ્લાસ્ટિક રૂ.500, તમાકું પેકિંગ કરવાનું ઈલેક્ટ્રિક ઓટોમેટીક મશીન નંગ-1 રૂ.50,000 અને એક ઈલેક્ટ્રિક વજન કાંટો રૂ.4000 મળી કુલ રૂ.1,45,000 નો મુદ્દામાલ મળી આવતાં તે કબજે કરી કારખાનાના માલિક પ્રવિણ ઉર્ફે રઘુ ખાચર કરશનભાઈ રામાણી અને તેના પુત્ર અનીલ પ્રવિણભાઈ રામાણી (રહે બન્ને- હીરપરાનગર-1,જસદણ)ની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.