ભાસ્કર ઈમ્પેક્ટ:વીંછિયાના કોટડા ગામના પાનેલિયા તળાવના કાંઠે ઊભેલા ગેરકાયદેસર ટીસીને PGVCL તંત્રે હટાવ્યું

જસદણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિંછીયાના કોટડા ગામે આવેલું પાનેલીયા તળાવ કોટડા, કંધેવાળીયા, રૂપાવટી, વાંગધ્રા, થોરીયાળી એમ પાંચ ગામોને પીવાનું પાણી પુરૂ પાડી રહ્યું છે. પરંતુ આ પાનેલીયા તળાવમાંથી ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આજુબાજુના ખેડૂત ખાતેદારો સહિતનાઓ દ્વારા ડીઝલ મશીનો, ઈલેક્ટ્રીક મોટરો મૂકી દૂર સુધી પાઈપલાઈનો લંબાવી બેફામ પાણીચોરી કરાઇ રહી હોવાનું દિવ્યભાસ્કરની ઇમ્પેક્ટ દરમિયાન સામે આવ્યું હતું.

જો કે હજુ સુધી પાનેલીયા તળાવમાંથી થતી બેફામ પાણીચોરી જસદણ સિંચાઈ વિભાગના જવાબદારો દ્વારા રોકવામાં નહી આવતા આગામી અઠવાડીયામાં જ તળાવ સાવ તળીયા ઝાટક થઈ જશે તેવી ગ્રામજનોમાં દહેશત સેવાઈ રહી છે. આ તળાવમાંથી કરાતી બેફામ પાણીચોરીના લીધે કોટડા સહિતના પાંચ ગામોના લોકો ઉપર પીવાના પાણીનું જળ સંકટ ઉભું થવા પામ્યું છે. હવે પાનેલીયા તળાવમાં માત્ર 8 દિવસ ચાલે તેટલું જ પાણી હોવાથી પાંચ ગામના લોકો માટે ઉનાળો કપરો સાબિત થશે તેવા ઘાટ જોવા મળી રહ્યા છે. જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ તળાવે પહોંચી ત્યારે તળાવમાંથી પાણીચોરો દ્વારા ધોળા દિવસે તળાવના કાંઠે ઉભેલા ગેરકાયદેસર PGVCL ના ટીસીમાંથી પાણીચોરી કરવા માટે પાવર ચોરી કરવામાં આવી રહી હોવાનું ધ્યાને આવ્યું હતું.

જેમાં પાણીચોરો પાણી ખેંચવા માટેની મસમોટી 10 જેટલી ઈલેક્ટ્રીક મોટર મૂકી બેરોકટોક પાણીચોરીનું કારસ્તાન ચલાવી રહ્યા હતા. જોકે આ પાવર ચોરી અંગે કોટડા ગામના સરપંચ પ્રવિણભાઈ ઓળકીયા દ્વારા વિંછીયા PGVCL તંત્રના નાયબ કાર્યપાલક ઈજનેરને પાવર ચોરી અટકાવવા બાબતે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ અહેવાલ તા.6 ના દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાતાની સાથે જ વિંછીયા PGVCL તંત્ર સફાળું જાગ્યું હતું અને તળાવના કાંઠે ઉભેલા ગેરકાયદેસર ટીસીને હટાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા જ્યારે તળાવની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ચારેકોર ઈલેક્ટ્રીક મોટર મૂકી પાણીચોરી કરવામાં આવી રહી હતી. છતાં વિંછીયા PGVCL તંત્રને સ્થળ તપાસ દરમિયાન માત્ર એક ગેરકાયદેસર ઉભેલું ટીસી જ ધ્યાને આવતા PGVCL તંત્રની કામગીરી સામે જાગૃત લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

જો કે વિંછીયા PGVCL તંત્રના ઈન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર આર. એફ. ચૌધરીનો સંપર્ક કરાતા જણાવ્યું હતું કે, હું અત્યારે ક્લિનિકમાં દવા લેવા માટે આવ્યો છું તેમ કહી વાત ટૂંકાવી દીધા બાદ વધુ વાત કરવાનું ટાળતા તેમની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.

PGVCL તંત્રને કેમ માત્ર એક ટીસી જ સરવે દરમિયાન ધ્યાને આવ્યું તે સવાલ ઊભો થયો છે
વિંછીયા તાલુકાના પાંચ ગામોને પીવાનું પાણી પુરૂ પાડતા કોટડા ગામના પાનેલીયા તળાવની આજુબાજુમાં વાડી અને ખેતરો ધરાવતા ખાતેદારો સહિતના પાણીચોરો દ્વારા તળાવના કાંઠે ગેરકાયદેસર ઉભેલા ટીસીમાંથી પાવર ચોરી કરી મસમોટી ઈલેક્ટ્રીક મોટરો મૂકી બેરોકટોક પાણીની ચોરી કરવામાં આવી રહી હોવાની કોટડા ગામના સરપંચ દ્વારા વિંછીયા PGVCL નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જોકે ફરિયાદના આધારે વિંછીયા PGVCL તંત્ર સફાળું જાગ્યું હતું અને ડ્રોન કેમેરાની મદદથી તળાવના કાંઠે ઉભેલા ગેરકાયદેસર ટીસીનો માત્ર સર્વે કરી ટીસીને હટાવી હાશકારો અનુભવી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, જ્યારે વિંછીયા PGVCL તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી તે પૂર્વે જ મોટાભાગના પાણીચોરોએ પોતાની ઈલેક્ટ્રીક મોટરો સંકેલી લીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા તળાવની મુલાકાત લેવામાં આવી ત્યારે 10 કરતા વધારે ઈલેક્ટ્રીક મોટરની મદદથી પાણીચોરી કરવામાં આવી રહી હતી. છતાં PGVCL તંત્રને સ્થળ તપાસ દરમિયાન માત્ર એક જ ટીસી કેમ ધ્યાને આવ્યું તે લોકોમાં એક સવાલ બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...