કોન્ટ્રાક્ટરની મનમાની સામે આક્રોશ:જસદણ પાલિકાએ ખોદેલા ખાડા ન બૂરતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા

જસદણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાડા ન બુરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી અપાતાં જ તંત્ર દોડ્યું​​​​​​​

જસદણ નગરપાલિકા દ્વારા શહેરના તાલુકા સેવાસદનથી લઈને શ્રીજી પ્રેસ સુધી વરસાદી પાણીના નિકાલની સમસ્યા હલ કરવા માટે લાખો રૂપિયાના ખર્ચે છેલ્લા ત્રણેક મહિનાથી પાઈપ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ કામના કોન્ટ્રાક્ટરને જાણે કે કોઈ કહેવાવાળું ન હોય તેમ પોતાની મરજી મુજબ કામગીરી કરવામાં આવતી હોવાથી નગરજનોમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી.

વાજસુરપરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલના પાઈપ નાખવા માટે ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા હતા અને ખોદેલા ખાડાઓને બુરવાની કામગીરી કરવામાં આવતી ન હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા હતા.આખરે જસદણ પાલિકાના વોર્ડ નં.2 ના સદસ્ય બીજલભાઈ ભેંસજાળીયા, દુર્ગેશભાઈ કુબાવત, પ્રવિણભાઈ ઘોડકીયાએ રસ્તો રોકી વિરોધ નોંધાવતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

પાલિકા તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. આ તકે લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી કોન્ટ્રાક્ટર દ્વારા ઠેરઠેર ખાડાઓ ખોદવામાં આવ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જ્યાં સુધી ખાડાઓને બુરવામાં નહી આવે ત્યાં રસ્તા રોકો આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારાતાં સ્થાનિક પોલીસ પણ દોડી હતી.

તંત્રની આંખ ઉઘાડવા માટે આ જરૂરી હતું
આ આંદોલન કરવાનું કારણ એક જ હતું કે, જસદણના કમળાપુર રોડ ઉપર છેલ્લા ત્રણ મહિનાથી કોન્ટ્રાક્ટર મોટા કૂવા જેવા ખાડાઓ ખોદીને ચાલ્યા ગયા છે. તે ખાડામાં આજે પણ બે બાઈક ખાડામાં પડતા પડતા રહી જતાં તંત્રની આંખ ઉઘાડવા માટે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી હતી. પાલિકાનું જેસીબી આવ્યું હતું અને ખાડાઓને બૂર્યા બીજલભાઈ ભેંસજાળિયા, પાલીકાના વોર્ડ નં.2 સદસ્ય.

તો.. એજન્સીની ડિપોઝિટ જપ્ત
આ ખાડાઓને લીધે અગાઉ એક અકસ્માત થયો હોવાનું અમારા ધ્યાને આવ્યું હતું. જેના પગલે અમે એજન્સીને નોટીસ આપી હતી કે તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવી. પાલિકા દ્વારા તમામ ખાડાઓને બુરવાની કામગીરી શરૂ કરાઇ છે. જો હવે એજન્સી મનમાની કરશે તો ડિપોઝિટ જપ્ત કરાશે. એમ. એન. ડાંગર, મ્યુનિસિપલ ઈજનેર

અન્ય સમાચારો પણ છે...