જસદણ શહેરને પાણી પૂરું પાડતા રાજાશાહી વખતના આલણસાગર ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીરની પધરામણી થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જસદણ શહેરથી 5 કિ.મી. દૂર બાખલવડ ગામે આવેલા આલણસાગર ડેમને સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ભરવા માટે લાંબા સમયથી કામગીરી શરૂ હતી.
બાખલવડ ગામે ડેમ સુધી પાઈપલાઈન નાખવા સહિતની તમામ કામગીરી પૂર્ણ થતા શુક્રવારે રાત્રે આલણસાગર ડેમમાં નર્મદાના નીર ઠાલવીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જો કે ટેસ્ટિંગ રિપોર્ટ બરોબર આવ્યા બાદ આગામી દિવસોમાં જરૂર પડ્યે આલણસાગર ડેમને નર્મદાના નીરથી ભરાશે.
નર્મદાના નીર આલણસાગર ડેમમાં નાખવાની કામગીરીને આવકારતા જસદણના પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ યોજના લોન્ચ કરવામાં આવી હતી અને તેમાં જસદણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જસદણ શહેરને પાણી પૂરો પડતા આ ડેમમાં નર્મદાના નીર ઠલવવા બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.
પાણીની સમસ્યા ભૂતકાળ બનશે
કાળઝાળ ગરમી અને ઉનાળામાં પણ હવે જસદણ પંથકમાં પાણીની કોઈ સમસ્યા નહીં રહે. આ અંગે જસદણના જાગૃત લોકોએ જણાવ્યું હતું કે, ફક્ત ટેસ્ટિંગથી સંતોષ માનવાને બદલે ઉનાળામાં ડેમમાં પાણી ઓછું થાય ત્યારે ખરેખર પાણીની જરૂર પડે ત્યારે આ ડેમમાં કોઈ પણ પ્રકારની રજૂઆત કે આંદોલન કર્યા વગર જાહેર જનતાના હિતને ધ્યાને લઈને સમયસર આલણસાગર ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવે તો ઉનાળો અાકરો નહીં રહે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.