વાહનચાલકોમાં રાહત:જસદણના ભાદર નદીના પૂલ પર પેચવર્ક કામ અંતે શરૂ

જસદણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કામ શરૂ તો કરાયું, ભયસૂચક બોર્ડ મૂકવાનું તો વિસરાઇ જ જતાં અકસ્માતનો ભય વધ્યો. - Divya Bhaskar
કામ શરૂ તો કરાયું, ભયસૂચક બોર્ડ મૂકવાનું તો વિસરાઇ જ જતાં અકસ્માતનો ભય વધ્યો.
  • પૂલ ખખડધજ બની ગયાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા એક સાઇડનું કામ શરૂ કરાતાં વાહનચાલકોમાં રાહત

જસદણના બાયપાસ રોડ પર આવેલ ભાદર નદીના પુલની હાલત અત્યંત ગંભીર હાલતમાં થઈ ગઈ હતી. આ પુલમાં અનહદ ખાડાઓ પડી ગયા હોવાથી આ પુલ ગંભીર દુર્ઘટના સર્જી શકે તેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો હતો. વરસાદના લીધે ધોવાયેલા આ પુલ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. છતાં તંત્ર આજદિન સુધી ઘોરનિદ્રામાં પોઢી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે, 1998 માં બનેલો આ પુલ આજદિન સુધીમાં એકપણ વાર રીપેર કરવામાં આવ્યો ન હતો.

જો કોઈ સરકારી અધિકારીઓને વાહનોને લઈને અમદાવાદ કે ગાંધીનગર જવું હોય તો આ પુલ પરથી ફરજિયાત પસાર જવું પડતું હોય છે. છતાં અધિકારીઓને આ જર્જરિત પુલ તેમને દેખાતો જ ન હતો. આ પુલ બન્યો તેના પણ 24 વર્ષ થઈ ચુક્યા છે અને આ પુલ જસદણ-અમદાવાદ હાઈ-વેને જોડતો મુખ્ય પુલ હોવાથી દરરોજ હજારો નાના-મોટા વાહનોની અવરજવર થયા કરે છે. છતાં આ જોખમી પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખી તંત્ર બીજી દુર્ઘટનાને જાણે કે નોતરું આપી રહ્યું હોય તેવા ઘાટ જોવા મળી રહ્યા હતા.

આ પુલ ખુબ જૂનો હોવાથી જ્યારે પણ આ પુલમાં ગાબડાઓ પડતા હતા ત્યારે તંત્ર દ્વારા તેની યોગ્ય મરામત કરવાના બદલે માત્ર થિંગડા મારી ગાબડાઓ બુરી કામ કર્યાનો સંતોષ માની લેવામાં આવતો હતો. આ અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાતા માર્ગ અને મકાન વિભાગ તંત્ર સફાળું જાગ્યું હતું અને ગોંડલ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની દેખરેખ હેઠળ ભાદર નદીના પુલના એક સાઈડના રોડને ખોદવાનું કામ ચાલુ કરાતા હજારો વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો છે.

‘કામગીરી શરૂ છે’ તેવું બોર્ડ મારવાનું કોણ યાદ કરાવશે?
જસદણનો બાયપાસ રોડ પરનો ભાદર નદી ઉપરનો પુલ અતિ જોખમી હાલતમાં ફેરવાઈ ગયો હતો અને આ પુલ પરથી સરકારી બાબુઓ પણ પસાર થતા હતા. તેમ છતાં તંત્રને આ બિસ્માર પુલની કફોડી હાલત દેખાતી ન હતી. જોકે આખરે માર્ગ અને મકાન વિભાગ તંત્ર દ્વારા પત્તાની માફક ધ્રુજી રહેલા ભાદર નદીના પુલના રોડનું કામ તાબડતોબ ચાલુ કરાતા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.

પરંતુ ગોંડલ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પુલ પાસે રોડનું કામ ચાલુ છે તેવા ભયસૂચક બોર્ડ મુકવાનું ભૂલી જતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા અહી તાકીદે ભયસૂચક બોર્ડ મુકવામાં આવે તેવું વાહનચાલકો ઈચ્છી રહ્યા છે.

પેચવર્કની કામગીરી 10 દિવસમાં પૂર્ણ કરાશે
ચોમાસાની સીઝન હોવાથી પેચવર્કની કામગીરી ચાલુ કરી છે. હાલ રાજકોટ-ભાવનગર રોડ અને જસદણ બાયપાસ રોડની પેચવર્કની કામગીરી 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. હાલ જસદણ બાયપાસ રોડ પર 2 કિ.મી. જેટલી લંબાઈમાં પેચ વધુ જોવા મળ્યા છે. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનો પૂરો થતા રોડ પર પટ્ટાની કામગીરી કરવામાં આવશે. અત્યારે અમે ભાદર નદીના પુલનો જે રોડ ડેમેજ થયેલ છે તેમાં હાલ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ શિયાળાની સીઝનમાં કોંક્રીટથી રોડનું કામ કરાશે. > ડી.ડી.ભારાય, નાયબ કાર્યપાલક ઈજનેર,ગોંડલ

અન્ય સમાચારો પણ છે...