રોષ:જસદણ એસ.ટી.ડેપોમાં નફાકારક રૂટ બંધ કરી દેવાતાં મુસાફરોનો હોબાળો

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જસદણ એસ.ટી. ડેપો ખાતેથી સવારે 7-30 કલાકે ઉપડતી જસદણ-રાજકોટ રૂટની બસ વાયા આટકોટ-સરધારને અઠવાડીયા પહેલા અચાનક બંધ કરી તે બસને વાયા ભાડલા-ભંડારીયા કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો રોષે ભરાયા હતા. જોકે આ અંગે મુસાફરોએ જસદણ એસ.ટી.ડેપોના મેનેજરને બંધ કરેલી બસ ફરી શરૂ કરવાની અનેકવાર રજૂઆતો કરી હતી. છતાં આજદિન સુધીમાં તે બસને વાયા આટકોટ-સરધાર ન કરાતા મુસાફરો અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને જસદણ એસ.ટી. ડેપોમાં જ હોબાળો મચાવી રામધૂન બોલાવી ડેપોમાં પડેલી તમામ રૂટની બસો રોકાવી રોષ ઠાલવ્યો હતો. આ તકે મુસાફરોએ જ્યાં સુધી જસદણ-રાજકોટ વાયા આટકોટ-સરધાર રૂટની બસ ફરી ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી બધી બસો રોકી રખાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે જસદણ એસ.ટી.ડેપોના મેનેજરને ડીવીઝન માંથી મૌખિક બાંહેધરી મળતા કાલથી ફરી તે રૂટની બસ રાબેતા મુજબ ચાલુ થઈ જશે તેવી ડેપો મેનેજરે મુસાફરો અને વિદ્યાર્થીઓને ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

રાજકોટની સવારની બસ વાયા-ભાડલા કરી દેવાઈ છે તે ફરી ચાલુ કરવાની અમારી માંગણી હોવાનું કહી ઈમરાન ચૌહાણ નામના મુસાફરે જણાવ્યું હતું કે અમે ડેઈલી સવારે 7-30 વાગ્યાની રાજકોટની બસમાં 50 જેટલા મુસાફરો અને વિદ્યાર્થીઓ અપડાઉન કરીએ છીએ. ડેપોવાળાએ આ બસ અચાનક બંધ કરી દીધી છે.

કાલથી ફરી તે રૂટની બસ ચાલુ થઇ જશે
પેસેન્જરોની માંગણી હતી કે અમને જસદણ-રાજકોટ વાયા આટકોટ-સરધાર રૂટની ફિક્સ બસ આપો. બાકી રાજકોટની અનેક બસો હાજર જ હતી. જેથી અમે આ બનાવના અનુસંધાને ડીવીઝનમાં કાગળ મોકલતા અમને મૌખિક બાંહેધરી મળી છે. કાલથી ફરી તે રૂટની બસ ચાલુ થઈ જશે. > ભાવનાબેન ગોસ્વામી, ડેપો મેનેજર, જસદણ

અન્ય સમાચારો પણ છે...