તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:ગોખલાણામાં ખેડૂતોની મંજૂરી વિના વીજપોલ ઊભા કરાતા રોષ

જસદણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેટકો કંપનીએ 220 કે.વી.ની લાઈન પસાર કરવા કલેકટરના હુકમનો અનાદર કરી ખેડૂતોએ કરેલી વાવણી પર પાણી ફેરવી દીધું

જસદણ તાલુકાના ગોખલાણા ગામના ખેડૂતોએ વાવણીકાર્ય કરી નાખ્યું હતું ત્યારે જેટકો કંપનીના અધિકારીઓએ ખેડૂતોએ કરેલી વાવણી પર પાણી ફેરવી દઈ 220 કે.વી.ની લાઈન પસાર કરવા માટે વીજપોલ ઉભા કરવાની કવાયત હાથ ધરતા ખેડૂતો આગબબુલા બન્યા હતા.

આ તકે 40 ખેડૂતોએ જણાવ્યું હતું કે, જેટકો કંપનીના અધિકારીઓએ એક પણ ખેડૂતની સહમતી લીધા વગર વાડી-ખેતરની વચ્ચે વીજપોલના પોઈન્ટ ઉભા કરી દેતા ખેડૂતોએ કરેલી વાવણીનો સોથ વળી ગયો છે. પોલીસને સાથે રાખી બળજબરી પૂર્વક ખેડૂતોની જમીનમાં પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. જો કે કલેકટર દ્વારા ગોખલાણા ગામના એકપણ ખેડૂતને નુકસાન ન થાય તે મુજબ પોલ ઉભા કરવાનો જેટકો કંપનીને હુકમ કરવામાં આવ્યો છે.

અમે વાવેતર કરી નાખ્યું છે
જેટકોવાળા ગુગલની શીટના આધારે મનફાવે ત્યાં લાઈન કાઢી રહ્યા છે. અમને કલેકટરે કહ્યું હતું કે જરૂર પડે તો બે-ચાર પોલ વધારી ખેડૂતોને નુકસાન ન થાય તે રીતે લાઈન કાઢીશું. પરંતુ જેટકોવાળા ખેડૂતોએ કરેલી વાવણીને ખુંદી નાંખી લાખો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે. જે ખેડૂતોની જમીનમાંથી પોલ પસાર થશે તેની જમીન તો આજીવન ચાલી જશે.> દેવકરણભાઇ ભગવાનજી મેતા, ખેડૂત, ગોખલાણા

મારી 4 વીઘા જેટલી જમીનના બે ભાગ થઇ ગયા છે
અમારી જમીનમાં પોલ ઉભા કરવા માટે જેટકોવાળાએ મારી કોઈ મંજુરી કે સહમતિ લીધી નથી અને મેં વાવેલી મગફળીના પાકને વ્યાપક નુકસાન કર્યું છે. અમને હજુ સુધી એકપણ રૂપિયો વળતર આપવામાં આવ્યું નથી. શું અમારા જેવા ગરીબ પરિવારે પોલીસ અને જેટકોની બળજબરીના લીધે જમીન ખોઈ નાખવાની રહેશે કે પછી સરકાર અમને ન્યાય અપાવશે ? > ગોબરભાઇ દુદાભાઇ ખેતરિયા, ખેડૂત,ગોખલાણા

ગમે ત્યાં પોઇન્ટ ઊભા કરાતા પાકનો સોથ વળી ગયો છે
જેટકોવાળાએ કોઈપણ ખેડૂતની સહમતી લીધા વગર ખેડૂતોની માલિકીની જમીનમાં મનફાવે ત્યાં પોઈન્ટ ઉભા કરી દીધા છે. જેટકોવાળા ખેડૂતોની જમીનની વચ્ચેથી રસ્તાઓ કાઢી રહ્યા છે જેના કારણે ખેડૂતોએ વાવેલ પાકનો સોંથ વળી ગયો છે. અમે બે દિવસ પહેલા પ્રાંત અધિકારીને પણ લેખિત રજૂઆત કરી છે અમને ન્યાય નહી મળે તો હું ખેડૂતોની સાથે આંદોલન પર બેસીશ > હકુભાઈ વાળા, સરપંચ,ગોખલાણા

ખેડૂતોને જંત્રી મુજબ વળતર ચુકવાશેે
ખેડૂતોને કલેક્ટરે સાંભળ્યા છે અને કંપનીની રજૂઆત પણ સાંભળી છે. કલેક્ટરે જણાવેલ તે મુજબ બીજા ફિજીબલ રૂટનો સર્વે પણ કરાવ્યો છે. તેમાં જે ટેક્નિકલ રૂટ હતા તે ત્યાં ટેબલ ઉપર હાજર જ છે. આ લાઈનનો જે રૂટ હતો તેમાં જ્યાં શક્ય હોય ત્યાં શેઢે પોઈન્ટ ઉભો કરી ખેડૂતોને ઓછું નુકસાન થાય તેવો અમને કલેકટરે હુકમ કર્યો છે. > જે. એલ. માથુકિયા, ડેપ્યુટી ઇજનેર, જેટકો

અન્ય સમાચારો પણ છે...